Connect Gujarat
ગુજરાત

નાના ઉદ્યોગોની કમર તોડશો તો દેશનું અર્થતંત્ર કેવી રીતે 5 ટ્રીલીયન ડોલર સુધી પહોંચશે ?

નાના ઉદ્યોગોની કમર તોડશો તો દેશનું અર્થતંત્ર કેવી રીતે 5 ટ્રીલીયન ડોલર સુધી પહોંચશે ?
X

અંકલેશ્વર અને પાનોલી કેમિકલ કલસ્ટર તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે પણ પ્રદુષણના મુદે હવે બંને જીઆઇડીસી તેની ચમક અને નામના ગુમાવી રહી છે. પ્રદુષણ ફેલાવતાં ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં જીપીસીબી સરેઆમ નિષ્ફળ રહેતાં ફરી અંકલેશ્વર અને પાનોલી પ્રદુષણના અજગરી ભરડામાં સપડાયાં છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે બંને જીઆઇડીસીને હાઇલી પોલ્યુટેડની યાદીમાં સમાવેશ કરી દેતા અંદાજે 15 થી 20 હજાર કરોડનું મુડી રોકાણ અટકી ગયું છે. વડાપ્રધાન એક તરફ દેશના અર્થતંત્રને 5 ટ્રીલીયન ડોલર સુધી લઇ જવા પરિશ્રમ કરી રહયાં છે તો બીજી તરફ અર્થતંત્રની કરોડરજજુ ગણાતા નાના ઉદ્યોગો મરણ પથારીએ છે.

અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીમાં નાના અને મોટા મળી 1,200થી વધારે ઉદ્યોગો ધમધમી રહયાં છે. ઉદ્યોગોની સાથે પ્રદુષણની માત્રામાં વધારો થવો સહજ બાબત છે પણ તેને કાબુમાં જરૂર લઇ શકાય છે. પ્રદુષણની માત્રા વધે નહિ તે જોવાની જવાબદારી જીપીસીબીની છે પણ જીપીસીબીની તેની ફરજોમાં ઉણી ઉતરતાં પ્રદુષણની માત્રામાં વધારો થતો રહયો છે. સબ સલામતની જીપીસીબીની ગુલબાંગો વચ્ચે અંકલેશ્વર અને પાનોલીમાં પ્રદુષણની માત્રા નિયત આંક કરતા પણ વધી ચુકી છે. પ્રદુષણના મુદે સૌથી વધારે મુશ્કેલીનો સામનો નાના ઉદ્યોગો કરી રહયાં છે. મંદીના માર વચ્ચે નાના ઉદ્યોગો પાસેથી માતબર દંડની વસુલાત કરવામાં આવતાં ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ બળદેવભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલમાં ઉદ્યોગોને 25 લાખ, 50 લાખ અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી રહયો છે. નાના ઉદ્યોગો દેશના અર્થતંત્રની કરોડરજજુ સમાન છે અને તેઓ હાલ વિકટ સ્થિતિમાંથી પસાર થઇ રહયાં છે. પર્યાવરણ પણ ન બગડે અને ઉદ્યોગો પણ ન તુટે તે દિશામાં સરકારે વિચારણા કરવી જોઇએ….

અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીના ઉત્પાદનોની વિશ્વ આખામાં નિકાસ કરવામાં આવે છે. અંકલેશ્વરમાંથી રોજના સરેરાશ 350થી વધારે કન્ટેનર ભરીને માલસામાનની નિકાસ કરવામાં આવે છે. ક્રિટીકલ ઝોનમાંથી માંડ બહાર નીકળ્યા બાદ હવે એનજીટીના આદેશના પગલે બંને જીઆઇડીસીમાંથી ઉદ્યોગો અન્ય જીઆઇડીસીમાં ઉચાળા ભરી રહયાં છે. ઉદ્યોગો બંધ થઇ રહયાં હોવાથી હજારો કામદારો બેકારીના ખપ્પરમાં હોમાય જાય તેવા દિવસો હવે દુર રહયાં નથી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, 841 જેટલા ઉદ્યોગો રેડ અને ઓરેન્જ કેટેગરીમાં આવી ગયાં છે. ઉદ્યોગોનું 15 થી 20 હજાર કરોડનું મુડી રોકાણ અટકી ગયું છે. ચાલુ ઉદ્યોગો વિસ્તરણ માટેની અને નવા ઉદ્યોગો પ્લાન્ટ નાખવાની મંજુરીની રાહ જોઇને બેઠા છે.

દેશના અર્થતંત્રને 5 ટ્રીલીયન ડોલર સુધી લઇ જવાની વાતો કરવામાં આવે છે ત્યારે તેમાં નાના અને મોટા ઉદ્યોગોની ભૂમિકા ચાવીરૂપ રહેશે. એનજીટીના આદેશ બાદ ઉદ્યોગોની દોડધામ વધી છે. ઉદ્યોગો ફરીથી ધમધમતા થાય અને અંકલેશ્વર અને પાનોલીની કેમિકલ કલસ્ટર તરીકેની રોનક પરત ફરે તે માટે સરકારે ઉદ્યોગોના પાણીને દરિયામાં અંદર સુધી છોડવા માટેની પરવાનગી આપવી જોઇએ.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની બેધારી નીતી અને મનસ્વી વલણના કારણે અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોનો દાટ વળી રહયો છે ત્યારે ઉદ્યોગોને બચાવવા માટે કેન્દ્ર અને રાજય સરકાર આગળ આવે તેવી ઉદ્યોગકારો પ્રબળ માંગ કરી રહયાં છે.

Next Story