Connect Gujarat
Featured

અંકલેશ્વર : લાયન્સ સ્કુલ દ્વારા 4496 વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની રૂ. 1.20 કરોડ જેટલી ફી માફ, વાલીઓમાં રાહતની લાગણી

અંકલેશ્વર : લાયન્સ સ્કુલ દ્વારા 4496 વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની રૂ. 1.20 કરોડ જેટલી ફી માફ, વાલીઓમાં રાહતની લાગણી
X

એક તરફ કોરોના વાયરસની મહામારી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને રોજગારીનો પ્રશ્ન સતાવી રહ્યો છે. જોકે અંકલેશ્વરની કેટલીક ખાનગી શાળાઓ ફી બાબતે વાલીઓ પર ભારે દબાણ કરી રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા, ત્યારે અંકલેશ્વરની લાયન્સ સ્કૂલ દ્વારા સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું છે. લાયન્સ સ્કૂલ દ્વારા ટ્યુશન ફી સિવાયની ત્રણેય વિભાગના મળી 4496 વિધાર્થીઓની 1.20 કરોડ જેટલી ફી માફ કરાતા જિલ્લાભરની શાળા માટે એક ઉપદેશ બનવા પામ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ લાયન્સ સ્કૂલ તેમજ લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમી દ્વારા ટ્યુશન ફી સિવાયની શાળાના જુનિયર કેજીથી ધોરણ 10 સુધીના કુલ 4496 જેટલા વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓની ફીની રકમનો આંકડો રૂપિયા 1.20 કરોડ સુધી પહોચ્યો છે, ત્યારે શાળા સંચાલકો દ્વારા ફી માફી અંગે જાહેરાત કરાતા વાલીઓમાં રાહતની લાગણી પ્રવર્તી હતી. પોતાના વહાલસોયા સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે લાયન્સ સ્કૂલ જેવી શાળામાં પ્રવેશ અપાવનાર વાલીઓ માટે આ ખરેખર રાહતના સમાચાર છે.

અંકલેશ્વર લાયન્સ સ્કૂલના ટ્રસ્ટી અને ચેરમેન જશુ ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 મહિનાથી જે પરિસ્થિતિ સર્જાઈ છે, તે જોતા લોકોને અને ખાસ કરીને લાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને પણ ફી ભરવાની ચિંતા હતી. જે દુર થાય તે માટે તમામ સભ્યોએ મળીને નિર્ણય લીધો છે. જેમાં જુનથી નવેમ્બર સુધીના સત્રની ફી માફ કરવામાં આવી છે. એક તરફ અંકલેશ્વર શહેર કે જીઆઇડીસી વિસ્તારની ખાનગી શાળાઓ વાલીઓને તેમની આર્થિક પરિસ્થિતિ જોયા વગર ફીની ઉઘરાણી કરી રહી છે, તે સર્વવિદિત બાબત છે. ઓનલાઇન શિક્ષણ આપવાના બહાને શિક્ષણ પ્રવૃતિ યથાવત છે. જેમાં વાલીઓને ફી ભરવા અંગે દબાણ કરાઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે લાયન્સ સ્કુલની આ પહેલ અન્ય ખાનગી શાળાઓ માટે પણ એક પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.

Next Story