અંકલેશ્વર : નગરપાલિકાની સામાન્ય સભામાં માત્ર 25 મિનીટમાં 45 કામોને મંજુરી, વિપક્ષે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

0

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભામાં વિકાસના વિવિધ કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં દરેક વોર્ડમાં વિકાસના કામો માટે રૂપિયા 11-11 લાખ ફાળવવામાં આવ્યા છે.

અંકલેશ્વર નગર સેવા સદનના સભાખંડમાં પાલિકા પ્રમુખ દક્ષા શાહની અધ્યક્ષતામાં સોમવારના રોજ સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભાની શરૂઆતમાં સ્વર્ગીય ડાહીબહેન રાણા અને પ્રદીપ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સામાન્ય સભા દરમ્યાન 42 જેટલા કામોને મંજુરી આપવામાં આવી હતી. રૂપિયા 3.50 કરોડની ગ્રાન્ટમાંથી દરેક વોર્ડમાં વિકાસના કામો માટે રૂપિયા 11-11 લાખની ફાળવણી કરવામાં આવી છે. અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ વરસાદી પાણીની કાંસની સાફ સફાઈ માટે પણ 50 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટેનો પણ મહત્વપૂર્ણ નિર્ણય સામાન્ય સભા દરમ્યાન લેવામાં આવ્યો હતો.

તો બીજી તરફ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ નોધાવવામાં આવ્યો હતો. કોરોનાના કાળમાં શાશકોએ ઉંચી કિંમતે સેનેટાઇઝર ખરીદી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે આ બાબતે કોંગ્રેસના સભ્યોમાં જ બે ફાંટા જોવા મળ્યા હતા. વિપક્ષના ભુપેન્દ્ર જાની અને શરીફ કાનુગા સિવાય અન્ય તમામ સભ્યોએ પ્રમુખની સેનેટાઈઝરની ખરીદીમાં કોઈ જ બેદરકારી ન હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ સમયસર હાઉસ ટેક્ષ ભરનાર શહેરીજનોને થેલા આપવાના પ્રોજેક્ટમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. શાશકોએ વીપક્ષ દ્વારા મુકવામાં આવેલ 6 કામો નામંજુર કરી દીધા હતા. માત્ર 25 મિનીટમાં સામાન્ય સભામાં વિકાસના 45 કામોને મંજુરી આપી દેવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here