મોબાઈલ ચોર સહિત ચાર શખ્સોની અટકાયત : ૧,૬ર,૦૦૦ના ૩પ જેટલા મોબાઇ સહિતનો મુદૃમાલ જપ્ત

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મોબાઇલ ચોર સહિત ચોરીના મોબાઇલ ખરીદનારાઓને ૩પ જેટલા મોબાઇલ કિં.રૂ.૧,૬ર,૦૦૦ના મુદૃમાલ સાથે ઝડપી પાડી તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ઝડપી પાડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડીયાના સુલતાનપુરા ખાતે રહેતો મો.જાબીર ઉર્ફે સદૃમ મયુદીન મન્સુરી પાસે ચોરીના મોબાઇલ હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલ.સી.બી.ની ટીમે સુલતાનપુરા ખાતેથી મહંમદ જાબીર મન્સુરીની અટકાયત કરી તપાસ કરતા તેની પાસેથી અલગ–અલગ કંપનીના દસ જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

આ ફોનના કોઇ બીલ કે પુરાવા ન હોવાના કારણે પોલીસે તેની કડી પૂછતાછ કરતા અંકલેશ્વરમાં થયેલી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. મો.જાબીરે આ મોબાઇલ ફોન ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામે રહેતો હરેશ અર્જુન ચિત્તે વેચી ગયો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે હરેશભાઇ ચિત્તેની પણ અટકાયત કરી પૂછતાછ કરતા ભરૂચ, અંકલેશ્વર અને વડોદરા ખાતે અલગ–અલગ જગ્યાએથી મોબાઈલ ચોરી કરી વેચ્યા હોવાની કબૂલાત કરી હતી.

લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી પણ ૨૩ જેટલા મોબાઇલ કબજે કર્યા હતા. હરિશ ચિત્તે વાલિયા ખાતે પણ ચોરીના મોબાઇલ વેચ્યા હોવાની કબૂલાત કરતા વાલિયા બજારમાંથી પ્રિતમકુમાર ઉર્ફે પિન્ટુ હનુપ્રસાદ વારડે અને પિનલકુમાર ઉર્ફે પિન્કેશ બાબુભાઇ શાહ બંનેની અટકાયત કરી તેમની પાસેથી પણ કુલ બે મોબાઇલ કબજે લીધા હતા. આમ મોબાઇલ ચોર હરીશ ચિત્તે સહિત ચાર આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી કુલ ૩પ જેટલા મોબાઇલ કિં.રૂ. ૧,૬ર,૦૦૦ના કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, હરેશ અર્જુનભાઇ ચિત્તે અગાઉ પણ વડોદરા ખાતે મોબાઈલ ચોરી અને નવસારી ખાતે દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયો હતો. તે ભરૂચ અંકલેશ્વર તથા વડોદરા ખાતે ભીડભાડ વાળી જગ્યાઓમાં લોકોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતો હતો. આ ઉપરાંત વાહન ચાલકો પાસે વાત કરવાના બહાને મોબાઇલ ફોન માંગી નજર ચૂકવી નાસી જઇ મોબાઈલ ચોરી કરતો હતો.

LEAVE A REPLY