અંકલેશ્વર- પાનોલીના ઉદ્યોગકારોની રજૂઆત સાંભળવા સરકારની તૈયારી

અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો જીપીસીબીની બેધારી નિતિના વિરોધમાં અન્ય રાજયોમાં પલાયન થવા તલપાપડ બન્યાં છે ત્યારે સ્થાનિક ઉદ્યોગોને તાળા વાગી જતાં અટકાવવા માટે સરકાર હવે આગળ આવી છે. આગામી દિવસોમાં ઉદ્યોગોના પડતર પ્રશ્નો અને સમસ્યાઓનો મુદો મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી લઇ જવાશે.
અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીમાં 3000 જેટલા નાના અને મોટા ઉદ્યોગો આવેલાં છે. જેના થકી હજારો કામદારો રોજગારી મેળવી રહયાં છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા બાદ જીપીસીબી માતબર રકમનો દંડ ફટકારી રહી છે. કંપનીઓની કિમંત કરતાં પણ દંડની રકમ વધારે હોવાના કારણે નાના ઉદ્યોગકારોની કમર તુટી ગઇ છે અને તેઓ હવે કંપનીઓ બંધ કરી દેવા સુધ્ધા તૈયાર થઇ ગયાં છે. બીજી તરફ ક્રિટીકલ ઝોનમાંથી બહાર આવ્યાં બાદ બંને જીઆઇડીસીના ઉદ્યોગો વિસ્તૃતિકરણ માટે કરોડો રૂપિયાનું રોકાણ કરી ચુકયાં છે પણ તેમના પ્લાન્ટ શરૂ કરવાની મંજૂરી હજી સુધી જીપીસીબીએ આપી નથી. જીપીસીબીએ નિયમોના કરેલા અર્થઘટન સામે ઉદ્યોગજગતમાં રોષની લાગણી જોવા મળી રહી છે.ગુરૂવારના રોજ અંકલેશ્વર ઉદ્યોગમંડળ ખાતે ઉદ્યોગકારોની મહત્વની બેઠક મળી હતી. જેમાં જીપીસીબીના વલણ અને ઉદ્યોગોને મળવાપાત્ર છુટછાટ અંગે વિવિધ સ્તરોએ રજૂઆત કરવાનું નકકી કરાયું હતું. જેના ભાગરૂપે રાજયના સહકાર મંત્રી અને અંકલેશ્વરના સ્થાનિક ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને રજૂઆત કરી હતી. જેમાં ઇશ્વરસિંહ પટેલે ઉદ્યોગકારોની સમસ્યાઓ વિશ઼ે ઉદ્યોગકારો અને ભાજપ સંગઠનના આગેવાનોને સાથે રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવાની ખાતરી આપી છે.
બીજી તરફ રાજયના ઉર્જા મંત્રી સૌરભ પટેલે પણ શુક્રવારના રોજ ભરૂ઼ચમા઼ બીડીએમએ આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં તેમણે ઉદ્યોગો થકી વિકાસનો રાહ કંડારાશે તેમ જણાવ્યું હતું. તેમણે અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોની સમસ્યાઓ અને પ્રશ્નોને સાંભળી યોગ્ય હલ લાવવાની કટિબધ્ધતા દર્શાવી હતી.