Connect Gujarat
Featured

અંકલેશ્વર : જનતા કરફ્યુ બાદ લોકોએ કલમ 144ની ઉડાવી ધજીયા, સુરક્ષા વિના જ સેંકડો લોકોના ટોળા

અંકલેશ્વર : જનતા કરફ્યુ બાદ લોકોએ કલમ 144ની ઉડાવી ધજીયા, સુરક્ષા વિના જ સેંકડો લોકોના ટોળા
X

કોરોના વાયરસના સંક્રમણ પર નિયંત્રણ મેળવી શકાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યુ કરવાનો આદેશ કર્યો હતો, ત્યારે એક દિવસીય જનતા કરફ્યુનો સમય પૂર્ણ થતાં જ લોકો જેસે થે ની સ્થિતિમાં આવી ગયા છે. અંકલેશ્વર શહેરમાં સવાર થતાં ઠેકઠેકાણે લોકોના ટોળા એકઠા જોવા મળતા લોકોની બેદરકારી સામે આવી હતી.

એક તરફ દેશમાં સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણ પર નિયંત્રણ મેળવવા માટે જડબેસલાક કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ લગભગ દરેક જિલ્લા વહીવટી તંત્રએ 144ની કલમ લાગુ કરી દીધી છે. જેથી 4થી વધુ લોકો એક સાથે ભેગા ન થાય. આ ધારા ભરૂચ જિલ્લા કલેકટરે પણ આગામી 25 માર્ચ સુધી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાગુ કરી છે. પણ જનતા કરફ્યુ બાદ જે દૃશ્યો જોવા મળ્યા છે, તે ખરેખર લોકોની બેદરકારીને સાબિત કરી રહ્યા છે.

અંકલેશ્વર શહેરમાં સવાર થતાં જ ઠેક ઠેકાણે લોકોના ટોળા એકઠા જોવા મળ્યા હતા. શાકભાજી માર્કેટમાં જાણે લોકોનું હુજુમ જમાં થઈ ગયું હતું. 4 નહિ પણ 400થી વધારે લોકો વિના કોઈ સાવચેતી અને સુરક્ષા વગર માર્કેટમાં જોવા મળી રહ્યા છે. ના મોઢા પર માસ્ક છે કે, ના ભીડથી ભિન્ન થવાનો પ્રયાસ, ત્યારે લોકોની લાપરવાહી કોરોના સામેની લડતમાં હાસ્યાસ્પદ લાગી રહી છે. આ દ્રશ્યો જોતાં 144ની કલમના લીરેલીરા લોકો ઉડાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આપણી સાવચેતી અને સજાગતા જ આપણને ચીન અને ઈટલી જેવી પરિસ્થિતિથી બચાવી શકશે. આગામી સમય દેશ અને રાજ્ય માટે ખૂબ જ મહત્વનો છે, ત્યારે લોકો ગંભીરતાને સમજી સહયોગ આપે તે અત્યંત જરૂરી છે.

Next Story