Connect Gujarat
Featured

ભરૂચ : અંકલેશ્વરના યુવાને ICWAની પરીક્ષામાં રાજયમાં સાતમો ક્રમ મેળવ્યો

ભરૂચ : અંકલેશ્વરના યુવાને ICWAની પરીક્ષામાં રાજયમાં સાતમો ક્રમ મેળવ્યો
X

અંકલેશ્વરના યુવાને તાજેતરમાં લેવાયેલી ICWAની પરીક્ષામાં સમગ્ર રાજયમાં સાતમો ક્રમ મેળવીને ડંકો વગાડયો છે.

આ છે અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં રહેતો જયદીપસિંહ દિલિપસિંહ ચૌહાણ. તેણે શિક્ષણ ક્ષેત્રે પોતાના પરિવારનું જ નહીં ભરુચનું પણ નામ રોશન કર્યું છે. આદિવાસી અને ડુંગરાળ પ્રદેશમાં બાળપણ વિતાવનારા અને પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરનાર જયદીપસિંહે ગામડામાં થી શહેર તરફ હિજરત કરી હતી. જયદીપનો પરિવાર નર્મદા જિલ્લાના સાગબારામાં વસવાટ કરતો હતો. મૂળ છોટા ઉદેપુર જિલ્લાના જયદીપનું બાળપણ સાગબારામાં જ વીત્યું હતું. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતી જયદીપની માતા અને પિતાએ પોતાના બાળકના ભવિષ્ય માટે અંકલેશ્વર સ્થળાંતર કર્યું હતું. જયદીપે ભણતરમાં સારા ક્રમાંક મેળવી માતા-પિતાના આ સપનાને સાકાર કર્યા છે. જયદીપે સ્નાતકની ડિગ્રી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેણે અનુસ્નાતક આણંદના વિદ્યાનગરમાં આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પૂર્ણ કર્યું હતું.તે યુનિવર્સિટી ટોપર રહ્યો હતો. તેણે ઇનકમ ટેક્ષ વિષયમાં ઓલ ટાઈમ હાઈએસ્ટ માર્ક મેળવ્યા હતા.

જયદીપે સૌથી અઘરી કહેવાતી અને રાષ્ટ્રીય સ્તરે લેવાતી ICWAની પરીક્ષામાં ભરુચમાં હાઈએસ્ટ અને રાજ્યભરમાં સાતમો ક્રમાંક મેળવી જિલ્લાનું અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. એટલું જ નહીં આ પરીક્ષામાં તેણે દેશમાં 47મો ક્રમ હાંસિલ કર્યો હતો. જયદીપ ભરુચ જિલ્લાના ઇતિહાસમાં આઇસીડબલ્યુએનો પ્રથમ વિદ્યાર્થી છે. જયદીપ સમાજ સેવામાં પણ સંકળાયેલો છે. આદિવાસી અને પછાત વિસ્તાર ગણાતા નેત્રંગ અને સાગબારા તાલુકાના ગામડાઓમાં ગરીબ અને પછાત વર્ગના બાળકોને વિવિધ પરીક્ષા અને સરકારી નોકરી મેળવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા કેરિયર ગાઈડન્સના સેમિનારનું આયોજન કરે છે. અત્યાર સુધી તેણે 3 હજારથી વધારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. જયદીપે પર્યાવરણ ક્ષેત્રે પણ પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેણે 5 હજાર જેટલા લીમડા અને જાંબુના બિયાનું વાવેતર કર્યું છે.

શિક્ષણમાં સર્વશ્રેષ્ઠ પરિક્ષાર્થી બની જયદીપે ના માત્ર પોતાના પરિવારનું પણ ભરુચ જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે.

Next Story