Connect Gujarat
Featured

અંકલેશ્વર : ફાર્મા સિવાયના ઉદ્યોગોને બંધ રાખવા માટે AIAએ કરી ઉદ્યોગકારોને અપીલ

અંકલેશ્વર : ફાર્મા સિવાયના ઉદ્યોગોને બંધ રાખવા માટે AIAએ કરી ઉદ્યોગકારોને અપીલ
X

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વર અને પાનોલીમાં પણ કોરોના વાયરસની અસર વર્તાઇ રહી છે. સરકારે જાહેર કરેલા લોક ડાઉન બાદ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશને ફાર્મા સિવાયના ઉદ્યોગોને 31મી માર્ચ સુધી બંધ રાખવા ઉદ્યોગકારોને અપીલ કરી છે.

અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીમાં 1,200 કરતાં વધારે નાના અને મોટા ઉદ્યોગો આવેલાં છે. જેમાં કેમિકલ અને ફાર્માસ્યુટીકલ ઉદ્યોગોની સંખ્યા વધારે છે. આ ઉદ્યોગોમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવે છે. રાજયમાં કોરોના વાયરસના વધી રહેલાં દર્દીઓને જોતા રાજયમાં 31મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સરકારની જાહેરાત બાદ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશને ફાર્માસ્યુટીકલ અને જીવન જરૂરીયાતની વસ્તુઓનું ઉત્પાદન કરતા સિવાયના તમામ ઉદ્યોગોને બંધ કરવા અપીલ કરી છે.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ મહેશ પટેલે સરકારને વિનંતી કરી છે કે કેમિકલ ઉદ્યોગોને બંધ કરવા માટે 24 થી 48 કલાકનો સમય જરૂરી છે તેથી ઉદ્યોગોને બંધ કરવા માટે સમય આપવામાં આવે તેમજ જે ઉદ્યોગો ચાલુ રહેશે તેમાં કર્મચારીઓ સરળતાથી આવન જાવન કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અથવા જરૂરી મંજૂરી આપવામાં આવે. વધુમાં તેમણે ઉદ્યોગકારોને કર્મચારીઓ તેમજ તેમના પરિવારની સલામતી અને સુરક્ષા પર ભાર મુકવા અનુરોધ કર્યો છે.

Next Story