Connect Gujarat
ગુજરાત

અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
X

સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે મુલાકાતી મહેમાનનું સ્વાગત કર્યું હતું

વિક્રમ સંવતના નવા વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રથમ મુલાકાતી મહાનુભાવના રૂપમાં દેશના પૂર્વોત્તર સીમાડે આવેલા અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડીયર (સેવા નિવૃત્ત) ડૉ. શ્રી બી.ડી મિશ્રાએ સરદાર વલ્લભભાઇ પટેલના કેવડીયા ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને તેની સાથે સંલગ્ન વેલી ઓફ ફ્લાવર્સ, વોલ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, ભૂગર્ભ જળવિદ્યુત મથક, ટેન્ટ સીટી સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત લેવાની સાથે પરમ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

તેમણે અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં ગુલાબના પુષ્પો દ્વારા અંજલિ અર્પીને રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ભાવવંદના કરી હતી તથા ભાવવિભોરતા સાથે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી એક ધર્મયાત્રા સંપન્ન કરવાનો આનંદ અનુભવું છું.

તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેક દિવસે દેશની જનતાના કલ્યાણ અને ઉત્કર્ષનો એક નવો વિચાર અમલમાં મૂકે છે, એક ભારત – શ્રેષ્ઠ ભારતના નિર્માણ અને મજબૂતીકરણની દિશામાં દેશને આગળ લઇ જાય છે, પરમાત્મા તેમના આ પરિશ્રમને સફળતા અપાવે એવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી.

અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સભાખંડમાં સરદાર સાહેબના જીવન અને કવનને વણી લેતી ફિલ્મ નિહાળી હતી. તેમણે ૪૫ માળની ઉંચાઇએ, પ્રતિમાના હ્રદય સ્થળેથી માતા નર્મદા અને વિંદ્યાચલ – સાતપૂડાની ગિરિમાળાઓના દર્શન કર્યાં હતાં. પરમ અહોભાવની લાગણી સાથે તેમણે જણાવ્યું હતું કે, આ સ્થળેથી માતા નર્મદાના દર્શન પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરાવે છે.

રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે રાજ્ય સરકાર વતી મહામહિમ ડૉ. મિશ્રા અને તેમના ધર્મપત્ની નિલમ મિશ્રાનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં આત્મીયતાસભર સ્વાગત કર્યું હતું તથા સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સદસ્ય હર્ષદભાઇ વસાવા અને પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવીએ પણ રાજ્યપાલશ્રીનું અભિવાદન કર્યું હતું.

Next Story