અરવલ્લી : બાયડ વિધાનસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસનો મુકાબલો બનશે રોચક

ગુજરાતમાં પેટા ચૂંટણી માટે બ્યુગલ વાગી ચૂક્યું છે. ત્યારે, અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પણ તેમાની એક છે. કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર કોણ બાજી મારશે અને જનતાના શું છે પ્રશ્નો. જુઓ કનેક્ટ ગુજરાતના વિશેષ અહેવાલમાં.
બાયડ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બાયડની બેઠક ખાલી પડી હતી.. હવે બાયડ વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ધવલસિંહ ઝાલાનું નામ ભાજપના ઉમેદવાર તરીકે ચર્ચામાં છે. જો કે લોકો વિરોધ કરી રહ્યા છે. બાયડ વિધાનસભા વિસ્તારમાં લોકોની સમસ્યાઓનો કોઇ પાર જ નથી. રસ્તાઓ બિસ્માર થયા છે. તો 12 સાયન્સના વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે મોડાસા ખાતે જવું પડી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસમાં બન્ને ઉમેદવારોને સ્થાનિક હોય તેવી લોકો માંગ કરી રહ્યા છે.
બાયડથી ડેમાઈ જતાં રસ્તા બિસ્માર બન્યા છે, પણ તેને રીપેર ન કરવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. એટલું જ નહીં બાયડ શહેરનો તમામ કચરો ડેમાઈ રોડ પર ઠાલવવામાં આવે છે, જેથી રસ્તાઓ પર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અને આસપાસના લોકો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
બાયડ બેઠક પર હાલ તો સ્થાનિક ઉમેદવાર મુકવાની જનતા માંગ કરી રહ્યા છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ કોને ટિકિટ આપે છે, તે મોટો સવાલ છે. હાલ તો ભાજપ અને કોંગ્રેસ બન્ને જીતનો દાવો કરી રહ્યા છે. ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, કાર્યકર્તા આખુ વર્ષ કામ કરે છે, માટે તેમણે કોઇ જ તૈયારી કરવાની જરૂર નથી. તો બાયડ બેઠક કોંગ્રેસનો ગઢ હોવાનું જણાવી કોંગ્રેસ નેતાઓ 100 ટકા નહીં પરંતુ 120 ટકા જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બાયડ બેઠક કોંગ્રેસનો ગઢ તો ચોક્કસ કહીં શકાય, પરંતુ આંતરિક વિખવાદને કારણે ક્યાંક નુકસાન થતાં ફરી ચૂંટણી યોજવાનો વારો આવ્યો છે. જો કે હવે કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવામાં સફળ થાય છે કે, કોંગ્રેસના ગઢમાં ભાજપ આવે છે, તે જોવું રહ્યું.