અરવલ્લી : ખેડૂત પિતાની પ્રેરણાથી દીકરી બની “યોગિની”, વર્લ્ડ મિસ યોગનું બિરૂદ મેળવ્યું

યોગ એટલે શરિરને તંદુરસ્ત રાખવા માટેની એક પ્રકારની વ્યાયામ, પણ આ જ વ્યાયામ આપણને એક, બે અથવા તો ત્રણ યોગ કદાચ આવડતા હશે, અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક વિદ્યાર્થિની છે કે, જે ૧૦૦ કરતા પણ વધારે યોગ કરવામાં નિષ્ણાંત છે. માટે તેણે જીત્યું છે, વર્લ્ડ મિસ યોગનું બિરૂદ.
અરવલ્લી જિલ્લાના મોડાસાની રાજેન્દ્રનગર આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતી અને મૂળ મહેસાણા જિલ્લાની વતની પૂજાને યોગમાં નિષ્ણાંત બનાવવાનો શ્રેય તેના પિતા ઘનશ્યામ પટેલને જાય છે. પિતા ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પણ તેમને થયું કે, મારી દીકરીને આનાથી વિશેષ કંઇક બનાવીશ,, ત્યારે તેમણે યોગ વિશે જાણકારી મેળવી અને દીકરીને યોગમાં આગળ વધવા પ્રેરણા આપી. બસ ત્યારબાદ પૂજા પટેલ વિશ્વકક્ષાની પ્રતિયોગીતામાં યોગમાં અનેક સિદ્ધિઓ હાંસિલ કરતી ગઈ.
પૂજા પટેલે તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી “મીસ યોગીની”નું બિરુદ પ્રાપ્ત કર્યું છે. આ પહેલા તેણે સૌપ્રથમ ચીનના શાંઘાઈમાં યોગ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ત્યારબાદ હોંગકોંગ અને સેનઝેનમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો હતો. અરવલ્લી જિલ્લા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની પ્રતિયોગીતામાં આવી પહોંચેલી પૂજા પટેલે અત્યાર સુધીમાં ગોલ્ડ અને સિલ્વર મેડલની સાથે જ ૬૪ મેડલ, ૧૧૭ ટ્રોફી તેમજ ૧૮૬ જેટલા પ્રમાણપત્રો એનાયત થયા છે.