અરવલ્લી: ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓએ જ કર્યો દારૂ સગેવગે કરવાનો પ્રયાસ, જુઓ શું છે મામલો

સામાન્ય રીતે દારૂની હેરાફેરીમાં બુટલેગરો પકડાતા હોય છે પણ અરવલ્લી જિલ્લામાં બે પોલિસ કર્મચારીઓ દારૂની હેરાફેરીમાં ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ.સહિત બન્ને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લામાં બુટલેગર નહીં પરંતુ હવે પોલિસ કર્મચારીઓ બુટલેગરની કામગીરી કરી રહ્યા હોય તેનું લાગી રહ્યું છે, વાત જાણે એમ છે કે, લોકલ ક્રાઇમ બ્રાંન્ચની ટીમએ બાતમીને આધારે આઈસર ટ્રકમાંથી વિદેશી દારૂની 334 પેટી પકડી પાડી હતી. જેની ગણતરી કરવા માટે જિલ્લા પોલિસ વડા કચેરી ખાતે લવાઈ હતી, જ્યાંથી ખાનગી કારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલ ઇમરાન શેખ અને પ્રમોદ પંડ્યા તેમજ ખાનગી વ્યક્તિ શાહરુખ કારમાં દારૂ ભરીને લઇ ગયા હતા.
જોકે જાગૃત નાગરિકને આ અંગે જાણ થતાં કારનો પીછો કર્યો હતો. કોન્સ્ટેબલને આ અંગેનો ખ્યાલ આવતા કાર ભગાવી દીધી હતી અને કાર વાઘોડિયા નજીક પલટી ગઈ હતી બાદમાં બન્ને પોલિસ કર્મચારીઓ ત્યાંથી પલાયન થઇ ગયા હતા.બે પોલિસ કર્મચારીઓની આવી કરતૂતીથી રેન્જ આઈજી દ્વારા તપાસના આદેશ અપાતા જ તુરંત જ બન્ને પોલિસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. આર.કે.પરમારની પણ સંડોવણી બહાર આવી છે. સારી બ્રાન્ડનો દારૂ ઝડપાયા બાદ પોલીસે કાર્યવાહી કરી ન હતી અને દારૂની હેરાફેરી કરી હતી ત્યારે પી.આઈ. સહિત અન્ય બે પોલીસકર્મીઓ સામે પણ ગુનો નોધાયો છે.