Connect Gujarat
Featured

અરવલ્લી : રક્તથી આવેદન લખી કલેક્ટર પાસે ન્યાયની માંગ

અરવલ્લી : રક્તથી આવેદન લખી કલેક્ટર પાસે ન્યાયની માંગ
X

અરવલ્લી જીલ્લામાં લાંબા સમયથી સફાઈ કામદારો ન્યાયની માંગ કરી રહ્યા છે. છેલ્લા 20 દિવસથી હડતાળ કરી રહેલા કામદારોની સમસ્યાનો નિવેડો ન આવતા આજરોજ વાલ્મીકિ સંગઠનના આગેવાનોએ રક્તથી આવેદન પત્ર લખી જીલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું.

સફાઈ કામદારોને અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી અન્યાય થઇ રહ્યો છે તેવા આક્ષેપ સાથે આજે વાલ્મિકી સંગઠનના આગેવાનો એ અરવલ્લી જિલ્લા કલેક્ટરને લોહીથી લખેલું આવેદનપત્ર આપ્યું છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ ગ્રામ પંચાયતમાં કામ કરતાં સફાઈ કામદારો ૨૦ દિવસથી હડતાળ કરી રહ્યા છે. કૉરોના સમયથી પોતાના જીવના જોખમે કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહેલા સફાઈ કામદારોની વિવિધ માંગણીઓ છે, જેને સાંભળવા માટે કોઈ જ તૈયાર નથી તેવો આક્ષેપ સફાઈ કામદારો કરી રહ્યા છે.

ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે લોહીથી આવેદન પત્ર લખીને અરવલ્લી જિલ્લા કલેકટરને સુપ્રત કર્યું હતું. સફાઈ કામદારોની માંગ છે કે તેઓને સુરક્ષા કીટ આપવામાં આવે, પીએફ, પ્લોટ ફાળવણી, વીમા પોલિસી, દર વર્ષે પગાર વધારો કરવો અને લાંબા સમયથી કામ કરી રહેલા સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે. આ વિવિધ માંગને લઇને ૨૦ દિવસથી મેઘરજ ગ્રામ પંચાયત ખાતે સફાઈ કામદારો હડતાળ કરી રહ્યા છે, જોકે માંગ સંતોષવામાં નહીં આવતા, જિલ્લા કલેકટરને વાલ્મિકી સંગઠનના આગેવાનો એ લોહીથી લખેલું આવેદનપત્ર આપ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

Next Story