Connect Gujarat
બ્લોગ

સર્જકતા : जाएंगे कहाँ सूझता नहीं, चल पड़े मगर रास्ता नहीं, क्या तलाश है कुछ पता नहीं...

સર્જકતા : जाएंगे कहाँ सूझता नहीं, चल पड़े मगर रास्ता नहीं, क्या तलाश है कुछ पता नहीं...
X

રાજ કપૂર 1935થી ફિલ્મો સાથે સંકળાયેલા હતાં. અંદાજે પચાસ પંચાવન ફિલ્મો કરી અને પાંચ સાત ફિલ્મ ડિરેક્ટ કર્યા બાદ 1970માં તમામ અનુભવ ભેગા કરીને ક્લાસ ફિલ્મ બનાવી.

રાજ કપૂરની નજરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બદલી નાખે તે પ્રકારની ફિલ્મ હશે અને મેરા નામ જોકર બનાવી. રાજ કપૂરને ભારતના દર્શકો પાસે મોટી અપેક્ષા હતી. આ પ્રકારની ફિલ્મ ભારતમાં ક્યારેય બની જ ન હતી, કદાચ સમય કરતાં વહેલી હતી. હકીકત તો એ છે કે સમય કરતાં પહેલાં કહેવામાં આવે તો જ તેની કિંમત હોય છે. ઓશો રજનીશને લોકો એટલા માટે તો યાદ કરે છે તેમનું સર્જન કે વિચારો સમય પહેલાં આવ્યાં હતાં. આમ છતાં માની લઇએ કે મેરા નામ જોકર સમય કરતાં વહેલી આવી હતી.

જાણીતા કલાકારો અને મધુર સંગીત હોવા છતાં નિષ્ફળતાને વરી હતી. સરળ વાત એટલી જ છે કે આપણે પણ અનેક અનુભવો મેળવીએ છીએ. અનુભવને અંતે નવસર્જન કરીએ અને એ કદાચ કોઈને ન પણ ગમે. આપણી વાતો, આપણી સર્જકતા કે આપણા કલેક્શન આપણી નજરે અત્યંત ઉત્કૃષ્ટ હોય પણ સામી વ્યક્તિ રસ ન પણ લે. આપણે સામી વ્યક્તિ પરત્વે નારાજ થઈ જઈએ છીએ અથવા નિરાશ થઈ જઇએ છીએ....

હા, તો રાજ કપૂરે શું કર્યું? દર્શકોને ગાળો દીધી? નિરાશા તો ખંખેરવી પડે. મેરા નામ જોકર નિષ્ફળ ગઇ. જે ફિલ્મમાં જીના યહાઁ મરના યહાં અથવા કલ ખેલ મેં હમ હો ન હો જેવા જીવનની ફિલોસોફી શીખવતા ગીત હતાં, તે પરથી કુદકો મારીને સીધે સીધા હમ તુમ એક કમરે મેં બંધ હો કે જૂઠ બોલે કૌઆ કાટે જેવા ગીતો સાથે એન્ટરટેઇનમેન્ટ મુવી બોબી બનાવી દીધી. ક્યાં જીવનની ઉચ્ચ ફિલસૂફી અને ક્યાં મામૂલી ચીલાચાલુ લવસ્ટોરી? ....ઐસા હોતા હૈ...ઇસી કા નામ હૈ જિંદગી. આપણા માની લીધેલા ઉત્કૃષ્ટ સર્જનને નકારવામાં આવે તો અટકી થોડું જવાય?

આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવા દાખલાઓથી ભરેલી પડી છે. શાલીમાર જેવી કરોડોના ખર્ચે બનેલી ફિલ્મ કે જેમાં હોલીવૂડની અનેક સફળ ફિલ્મોના ભાગ લઈ સર્વોત્તમ ફિલ્મ બનાવવા કોશિષ કરવામાં આવી હતી. આ ફિલ્મની સફળતા માટે કોઈ શંકા જ ન હતી. આમ છતાં અસફળ રહી હતી. શ્રેષ્ઠ સર્જન કરવા છતાં અસફળતા અને સામા પક્ષે આજ ગાળામાં કોઈ એડીટીંગ વગરની સાવ સસ્તી અને સામાન્ય કક્ષાની વાર્તા ધરાવતી સંતોષી માં આજે પણ ખર્ચ સામે શ્રેષ્ઠ કમાણી ધરાવતી ફિલ્મમાં ટોપ પર આવે છે. આપણા ચુનીલાલ મડીયાએ પોતે જ લખેલી વાર્તાઓનો સંગ્રહ કરીને "મડીયાની શ્રેષ્ઠ વાર્તા" પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં અભુ મકરાણીની વાર્તા પસંદ કરવામાં આવી ન હતી. કેતન મહેતાને આ વાર્તા પસંદ પડી, તમાકુના બેકગ્રાઉન્ડ બદલી મરચાં ના બેકગ્રાઉન્ડ સાથે થોડું કથાકન બદલીને મિર્ચમસાલા ફિલ્મ બનાવી, જે વાર્તા પોતાના સંગ્રહમાં પણ ન સમાવી એ વાર્તા પરથી બનેલી ફિલ્મ નેશનલ એવોર્ડ લાવી હતી.

તમે ઘરમાં ખૂબ મહેનત બાદ કોઈ નવી આઇટમ બનાવો છો, પરિવારના સભ્યો કહી શકે કે આના કરતાં તો ખીચડી બનાવી હોત તો પણ ચાલત.....આ ઘરઘર કી કહાનીમાં બની શકે છે. ઘર, ફર્નીચર, બાળકોના અભ્યાસ, પ્રવાસના સ્થળ....આ બધા સાથે મેરા નામ જોકર કે શાલીમાર થઈ શકે છે. તમે ખૂબ મહેનત કરીને ટ્રીપ ગોઠવી હોય અને પરિવારના સભ્યો કહી શકે કે આના કરતાં તો ઘરે સારા હતાં... કેમ કે હિસ્ટોરિકલ પ્લેસ ફરવાનો તમને શોખ હતો, તમારા પરિવારને ન પણ શોખ હોય. તમે તે સ્થળનું મહત્વ સમજાવતાં હોય અને પરિવારજનો ઝોકા મારતા હોય. આપણું દુઃખ અહીંથી શરૂ થાય છે. આટલું ઉત્કૃષ્ટ આયોજન કે ભોજન બનાવ્યું અને કોઈને પસંદ ન પડે?...ચિલ યાર.....

તમે ગમે તેટલું સુંદર ફાર્મ હાઉસ બનાવો તો મોટા ભાગના લોકો તમને બાંધકામ, ખોટા ખર્ચ સહિત અનેક અકલ્પનિય સલાહ આપી શકે છે. તમે નવો વ્યવસાય શરૂ કરો ત્યારે તો ઠીક પણ વારસાગત વ્યવસાય કેવી રીતે કરવો તે પણ લોકો શીખવતા હોય છે. તમારું સર્જન તો બાજુ પર રહી જાય અને નિરાશ કરી નાખે, તમને અકારણ થકવી નાખે....પણ ડોન્ટ વરી, બહુ ગંભીર થવું નહીં. બોબી બનાવવાનો પ્રયત્ન ચાલુ રાખવાનો. જો ક્રિયાશીલ થવામાં અટકી ગયાં તો સમજો કે જીવન યાત્રામાં ભટકી ગયાં. આ તો દુનિયા છે, અહીં સારી ડિઝાઇન ધરાવતી વેબ સાઇટ કોઈ જોતું પણ નથી અને લગભગ ડિઝાઇન વગરની વેબસાઈટ ગુગલ આજે ટોપ પર છે. તમે કલાકોની મહેનત પછી એક મઝાની કવિતા લખી, અરે તમારો બનાવેલા જોક પર તમે જાતે ખૂબ હસ્યાં, પણ એ કવિતા અથવા જોક્સ સોશિયલ મીડિયા પર મૂકો છો અને કોઈ રસ ન પણ લે.....

મૂળ વાત, એટલી જ કે હવે તો વોટસ અપ જેવી સોશિયલ મિડીયા તમારા મેસેજ પર ફોર્વર્ડેડનો ટેગ લગાડી આપે છે. કોઈ ને પસંદ આવે કે ન આવે સર્જન બંધ ન થવું જોઈએ. તમારું સર્જન મૌન ન શીખવું જોઈએ. તમારું સર્જન માત્ર તમારી માલિકીનું નથી....ઇશ્વરે જે મૌલિકતા આપી છે તે સતત ચાલવી જોઈએ. વોટ્સએપને પણ ચેલેન્જ કરી ફોર્વર્ડેડનો ટેગ વગર ચલાવવું એ પણ કળા છે. જેવું આવડે તેવું બનાવતાં રહેવું જોઈએ. તમે સારું ગાવ છો, સારી કવિતા લખો છો કે ગઝલને સમજવાની ક્ષમતા ધરાવો છો...તો આ યાત્રા ચાલુ રાખો. તમને એવું છે કે કોઈને ક્યાં કદર છે પણ કેટલાય ખૂણે બેઠેલા તમારી કલાત્મકતાની ઇર્ષા કરતાં હશે. રાજ કપૂરને નકારી શકે છે, પણ હૈયે તો વસે જ છે....અરે, અસંખ્ય ટ્રેન્ડ બદલી નાખ્યા તેવી ફિલ્મો બનાવનાર અનુરાગ કશ્યપને થયું કે અજાણ્યા કલાકારો પાસે ઘણું કામ લીધું, એકાદ શ્રેષ્ઠ કલાકાર સાથે કામ કરીએ. બોમ્બે વેલ્વેટમાં રણબીર કપૂર અને યુદ્ધ સિરિયલમાં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું, બંનેને ધારી સફળતા મળી ન હતી. આપણે ઉચ્ચ ગુણવત્તા સાથે કામ કરીએ અને બધા સ્વીકાર કરે એ જીદમાં જિંદગી ન બગાડવી જોઈએ. ગાંધીને તો તેમના છેલ્લા દાયકામાં ખૂબ પરેશાન કરવામાં આવ્યા હતાં, પણ વાતને વળગી રહેવાની કળા તો તેમની પાસે શીખવી જોઈએ. બેસ્ટ મ્યુઝિશ્યન આર ડી બર્મનની છેલ્લી સત્તર ફિલ્મોમાં સંગીત ટીકાનો ભોગ બન્યું હતું, એ તો નસીબ કે અંતિમ 1942 લવસ્ટોરીના સંગીતમાં આબરુ સચવાઈ ગઇ...થાય ....આવું ચાલ્યા કરે. આપણી આસપાસ અસંખ્ય નવી હોટલો ખૂલે છે, હોંશભેર ઉદ્ઘાટન પણ થાય છે. બે મહિનામાં ગાયબ થઈ જાય છે અથવા નવું બોર્ડ પણ લાગે છે. બડી મુશ્કેલ હૈ યે દુનિયા, જ્યાં બધાને સતત ખૂશ રાખી શકાય. જે હોય ત્યાં, જેવું હોય ત્યાં આપણે ખૂશ રહેવું. બહુ બધી સફળતા પોતાને ચેન્જ કરવાથી નથી આવતી, પણ ઓરિજિનલ રહેવાથી આવે છે. બાળક ઓરિજિનલ છે એટલે ગમે છે...આપણે આપણા માટે જીવવાનું છે...બી સેલ્ફીશ....

Deval Shastri

Blog by Deval Shastri

Next Story