Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ રક્ષાબંધને ગામના યુવાનો પહોંચ્યા યુવતીના ઘરે, જાણો વિગતે

વડોદરાઃ રક્ષાબંધને ગામના યુવાનો પહોંચ્યા યુવતીના ઘરે, જાણો વિગતે
X

નંદેસરીનાં પરિવારની 24 વર્ષની દીકરી છે પ્રોજેરિયાનો રોગથી પીડિત

રક્ષાબંધન આવે એટલે ભાઈ અને બહેનને નાનપણના સંભારણા યાદ આવે. પણ ક્યાંક એવો પણ માહોલ હોય કે કુદરતની લીલા સામે લાચાર થવું પડે. આવો જ કિસ્સો છે વડોદરાની અંજનાનો છે.

વડોદરાના નંદેસરી ગામમાં મહેશ પરમાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. લગ્નજીવનના ફળ સ્વરૂપે બે સંતાનમાં દીકરો અને દીકરી છે. પણ સાથે સાથે મોટી દીકરીને એવો રોગ આપ્યો કે જે ૪૦૦૦ વ્યક્તિમાં એક જ વ્યક્તિને થાય છે. આ રોગનું નામ છે પ્રોજેરીયા. પ્રોજેરીયા રોગ પર અગાઉ નિર્દેશક આર.બાલ્કીએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના લીડ રોલમાં 'પા' ફિલ્મ બનાવી હતી. એ જ રોગ છે જે નંદેસરીની અંજના પરમાર ને થયો છે.

અંજનાનો જન્મ થયો ત્યારે તેનો ચહેરો નિહાળી પરિવાર પણ હતપ્રભ થઇ ગયો હતો. ત્યારે ડોકટરોએ ટેસ્ટ બાદ જણાવ્યું કે, તેને પ્રોજેરીયા નામનો રોગ છે. જે હજારોમાં એક વ્યક્તિ ને થતો હોય છે. તેની કોઈ સારવાર શક્ય નથી. તે જાણી સામાન્ય પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. પરંતુ આખરે કુદરતની ઈચ્છા માની પોતાની લાડકવાયીને સામાન્ય બાળકીની જેમ ઉછેરવામાં આવી.

નાનપણમાં તે તેની ઉંમરના બાળકો સાથે રમવા જતી તો બાળકો પણ ડરી જતા. જેથી અન્ય બાળકોના વાલીઓ બાળકોને તેની સાથે રમવા દેતા ન હતા. ખરી વિડમ્બના ત્યારે થઇ જયારે અંજના સમજતી થઇ. ત્યારે અન્ય બાળકીઓ અને પોતાને જોઈ લઘુતાગ્રંથીથી પીડાવા લાગી. તેવામાં પરિવારે તેને સાથ આપ્યો અને તેની સાથે સામાન્ય બાળકીની જેમ વ્યવહાર કરી તેને ક્યારેય તેના રોગ પ્રત્યે ઘૃણા ન થવા દીધી.

અંજના હાલ ૨૪ વર્ષની થઇ છે. પરંતુ તેના બિહામણા ચહેરાથી કોઈ બી ન જાય તેના કારણે તે વર્ષોથી ઘરમાંથી બહાર નીકળતી નથી. આવતી કાલે જયારે રક્ષાબંધનનું પર્વ દેશ ભરમાં મનાવવામાં આવશે ત્યારે જેમ પરિવારે અંજનાને સામાન્ય ન હોવાનો અહેસાસ થવા દીધો નથી તેમ અંજના સામાન્ય યુવતી જ છે. તેવી અનુભૂતિ કરાવવા ગામના અગ્રણી યુવાનોએ અંજનાના ઘરે જઈ રક્ષાબંધન પર્વે અંજના તેમને રાખડી બાંધે તેવી ઈચ્છા દર્શાવી હતી. જે સાંભળી અંજનાની માતા સહીત પરિવારની આંખો ભીની થઇ ગઈ હતી. આ ભાઈ સ્વરૂપે આવેલા દેવ સ્વરૂપ ગામના યુવાનોને રાખડી બાંધતી વખતે અંજનાના ચહેરાનું સ્મિત જ રક્ષાબંધન પર્વની ખરી ભાઈ બહેનની એકબીજાને ભેટ આપી હતી.

Next Story