Connect Gujarat
Featured

ભરૂચ : માત્ર દોઢ કલાકમાં 3 ઇંચ વરસાદ, મેઘરાજાએ શહેરને ધમરોળ્યું

ભરૂચ : માત્ર દોઢ કલાકમાં 3 ઇંચ વરસાદ, મેઘરાજાએ શહેરને ધમરોળ્યું
X

કોરોના વાયરસના કહેર વચ્ચે એક તરફ યુએઇમાં આઇપીએલનો શનિવારથી પ્રારંભ થયો ત્યાં બીજી તરફ શનિવારે રાત્રે ભરૂચમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. ભરૂચ શહેરમાં દોઢ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં સર્વત્ર જળબંબાકાર બની ગયું હતું…

ભરૂચમાં નર્મદા નદીમાં પુર બાદ હવે મેઘરાજા મનમુકીને વરસી રહયાં છે. શનિવારે રાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો. એક તરફ યુએઇમાં આઇપીએલમાં મુંબઇ અને ચેન્નઇ વચ્ચેની મેચમાં બેટસમેનોની ફટકાબાજી ચાલતી હતી તેવામાં ભરૂચવાસીઓ મેઘરાજાની તોફાની ઇનિંગ્સ જોઇ રહયાં હતાં. આકાશમાં થતાં વીજળીના કડાકા અને ભડાકાથી વાતાવરણ બિહામણું બની ગયું હતું. ભરૂચ શહેરમાં માત્ર દોઢ કલાકમાં જ 3 ઇંચ વરસાદ ખાબકી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ભરૂચમાં ભાદરવા મહિનામાં આકરા તાપ વચ્ચે મેઘરાજાએ સમયાંતરે હળવાથી ભારે ઝાપટા સ્વરૂપે વરસી પોતાની હાજરી નોંધાવી હતી. ગત વર્ષે ભરૂચ જિલ્લામાં રેકોર્ડ બ્રેક 175 ટકા સિઝનનો વરસાદ વરસ્યો હતી.આ વર્ષે પણ મોસમના કુલ વરસાદની સરેરાશ 6525 મિમી સામે જિલ્લામાં 134 ટકા એટલે કે 8754 મિમી વરસાદ નોંધાઇ ચુક્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો હાંસોટ તાલુકામાં 55 મિમી, અંકલેશ્વરમાં 38 મિમી, વાગરામાં 30 મિમી, વાલિયા 30 મિમી, ઝઘડિયા 17 મિમી, નેત્રંગ 12 મિમી, આમોદ 10 મિમી અને સૌથી ઓછો જંબુસર તાલુકામાં માત્ર 4 મિમી વરસાદ વરસ્યો હતો.

Next Story