Connect Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાતનું સોમનાથ : મહિસાગર સંગમ સ્થળે આવેલું સ્તંભેશ્વર તીર્થ-કાવી-કંબોઇ!

દક્ષિણ ગુજરાતનું સોમનાથ : મહિસાગર સંગમ સ્થળે આવેલું  સ્તંભેશ્વર તીર્થ-કાવી-કંબોઇ!
X

-દરિયાના ઘુઘવાટા જળથી દિવસમાં બે વાર સ્વયં જળ અભિષેક પામે છે

-શ્રાવણ માસ, શનિવારી - સોમવારી અમાસ, વૈદ્યૃતિ યોગ અને શિવરાત્રીએ ભક્તોની ભારે ભીડ જામે છે

દરિયાના ઘુઘવાટા જળથી દિવસમાં બે વાર સ્વયંમ જળ અભિષેક પામી દર્શન કરનારની દ્રષ્ટિથી લીન થતા પ્રત્યેક યુગમાં માહાત્મયકારી દેવાધિદેવ શિવજીના પુત્ર કાર્તિકેય સ્વામી ધ્વારા મહિસાગર સંગમ પર સ્થાપિત શ્રી સ્તંભેશ્વરના પુરાણ પ્રસિધ્ધ વિરલ શિવતીર્થ કે જે અત્યારે દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ધર્મવંદના પામ્યું છે.

તે કંબોઇ ગામ ગુજરાતના ભરૂચ જિલ્લાના પુરાતન ગામ અને બંદર કાવીથી માત્ર ૩ કિ.મી. અને જંબુસરથી ૩૦ કિ.મી. અંતરે આવેલું છે. કંબોઇ ગામે આવેલા મહિસાગર સંગમ સ્થળે કે જ્યાં મહી નદી અને સાગરનો સંગમ થયેલો છે અને ગુપ્તતિર્થ પણ કહેવાય છે. દરિયા વચ્ચે સ્તંભ સમા બિરાજેલા દરિયામાં સવાર-સાંજ આવતી ભરતીને કારણે આ મહાદેવના શિવલીંગને દરિયો જળાભિષેક કરે છે.

સ્કંદપુરાણની કથા પ્રમાણે તારકાસુર રાજાએ ઘોર તપ ર્ક્યું શિવજીના કહેવાથી બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું. સાત દિવસના બાળક સિવાય તેને કોઇ મારી શકે નહી ! બસ, પછી તો છકી ગયો અને પછી સર્જ્યો હાહાકાર ! તેથી દેવોએ તારકાસુરનો સામનો કરવા શંકર-પાર્વતિના મિલનથી એક દિવ્ય બાળક પ્રાપ્ત ર્ક્યું જેને છ મસ્તક, બાર હાથ અને બાર આંખો હતી આ બાળક તે જ કુમાર કાર્તિકેય અથવા સ્કંદ ! તે પાંચ દિવસનો થયો ત્યારે તેને તેના જન્મનો હેતુ સમજાવવામાં આવ્યો, હવે (બે દિવસમાં જ તારકાસુરને મારવો પડે તેમ હતો નહી તો તે વરદાનને ગેરલાભ ઉઠાવી શકત) કુમાર કાર્તિકેયને દેવોના સેનાપતિ બનાવવામાં આવ્યો, તેણે અતિ પરાક્રમ દાખવી તારકાસુરને માર્યો, દેવો-ઋષિ-મુનીઓ અને ભક્તો ભારે આનંદમાં આવી ગયા પણ કાર્તિકેયના મન પર ભારે બોજ રહેવા લાગ્યો,

ગમે તેવો તોય તારકાસુર મારા પિતાનો ભક્ત હતો ! અરે ! મારા હાથે શિવભક્તનો વધ થયો ! ! આથી દેવોએ કાર્તિકેયના મનની ગ્લાનિને દૂર કરવા તારકાસુરને હણ્યો ત્યાં કુમારેશલિંગ(સ્તંભેશ્વર) ની સ્થાપનાનું સુચન ર્ક્યુ. શિવપરિવાર, બ્રહ્મા, વિષ્ણુ, દેવો - ઋષિઓના આર્શિવાદ આ સ્તંભેશ્વરતીર્થ પર ઉતર્યા.પરંતુ સ્તંભેશ્વરતીર્થ ગુપ્ત/અજાણ્યું કેમ બની ગયું ?

કહે છે કે બ્રહ્માજીની સભામાં બધા જ તીર્થ દેવો એક સાથે પધાર્યા તેથી પ્રશ્ન થયો - કોની પૂંજા પહેલી કરવી ? કોઇ તીર્થ પોતાની મહત્તા સ્વયં કહેવા તૈયાર નહોતું પણ વીસ હજાર છસો નદીઓનું જળ જ્યાં મહી નદી રૂપે વહે છે તે મહિ - સાગર સંગમ (સ્તંભેશ્વર) તીર્થે પોતાના પ્રથમ પૂજનના અધિકારી ગણાવવાથી અથવા પોતાની મહત્તા જાતે રજૂ કરવાથી તેમા બ્રહ્માજીના પૂત્ર ધર્મદેવને અવિવેક લાગ્યો તેથી ધર્મદેવે આ તિર્થને ગુપ્ત થઇ જવાનો શ્રાપ આપ્યો !

પરંતુ કાર્તિકેય અને નારદજીએ વચ્ચે પડી ધર્મદેવજીને આ શ્રાપમાં છૂટછાટ મૂકવા કહેવાથી તેમણે વરદાન આપ્યું : શનિવારની અમાસે મહિસાગર સંગમની માત્ર એક જ વખત યાત્રા કરનારને પ્રભાસની દસ વારની, પુષ્કરની સાત વાર, અને પ્રયાગની આઠ વાર યાત્રા કર્યાનું ફળ મળશે જો કે આજે પણ આ તીર્થ દિવસમાં બે વાર દરિયાના પાણીમાં ઢંકાઇને ગુપ્ત થઇ જાય છે.

કંબોઇ આશ્રમના પૂ. વિદ્યાનંદજી મહારાજ ધ્વારા સ્કંદ પુરાણ સહિત વિવિધ પુરાણોનો અભ્યાસ કરી આ સ્થળે મહારૂદ્રયજ્ઞ ર્ક્યો. પ્રાધ્યાપક બિપીનચંદ્ર ત્રિવેદીએ “યજ્ઞ સ્મરણિકા” અને “સ્તંભેશ્વર પરિચય” પ્રદિપ પુસ્તક, “સ્તંભેશ્વરરાય રેડિયો” નાટિકા, ભજન સંગ્રહ સીડી તૈયાર કરી. સ્તંભેશ્વર આશ્રમે યજ્ઞ શાળા, અન્નક્ષેત્ર, અતિથિગૃહ, ગૌ શાળાનું નિર્માણ થયું અને કંબોઇ ગાજતું થયું.

ઉલ્લેખનીય છે કે આ તીર્થ વિજયક્ષેત્ર, સ્કંદક્ષેત્ર, ઉપરક્ષેત્ર, બ્રહ્મક્ષેત્ર, કપિલક્ષેત્ર, ગુપ્તક્ષેત્ર એમ વિવિધ નામે જાણીતું અને સુપ્રસિધ્ધ બન્યું છે. કપિલમુનિ, ઓજસ મુનિ, યાજ્ઞવલ્ક્ય, દધીચિઋષિ અહીં થયા ! આજે તો શ્રાવણ માસે, કાર્તિક માસે, શનિવારી-સોમવારી અમાસ, વૈદ્યૃતિયોગ, શિવરાત્રીએ ભક્તોની ભારે ભીડ જામે છે.

સ્તંભેશ્વરતીર્થ પહેલા જ્યાં ધૂળીયો-સાંકડો એપ્રોચ રોડ હતો ત્યાં છેક સુધી પાકો ડાંમર રસ્તો થઇ ગયો છે, કેલેન્ડર, ટી.વી., આકાશવાણી, સમાચારપત્રોમાં સ્તંભેશ્વરતીર્થનો મહિમા આવે છે.પૂ. વિદ્યાનંદજી મહારાજના જણાવ્યા મુજબ મહિસાગર સંગમતીર્થ જેવી પાવનભૂમિ પર ભગવાન શંકરના પરમ પરાક્રમી પૂત્ર કાર્તિકેય સ્વામી ધ્વારા સ્થાપિત શિવલીંગ, સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી વ્યક્તિ આધિ, વ્યાધિ અને ઉપાધીમાંથી મુક્ત થાય છે તથા તેની સઘળી મનોકામના પૂર્ણ થાય છે.

Next Story
Share it