મનુબર ગામમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાય
પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાની ઉજવણી
SDM મનિષા મનાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
વીર શહીદોના બલિદાનને યાદ કરવાનો અવસર : SDM
ગ્રામ્યના મામલતદાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
ભરૂચ તાલુકાના મનુબર ગામ ખાતે તાલુકા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ તાલુકાના મનુબર ગામ સ્થિત યુવક મંડળ હાઇસ્કૂલના પટાંગણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં ભરૂચના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી મનિષા મનાણીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની અને વિદ્યાર્થીઓને સંબોધતા મનિષા મનાણીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વ એ દેશ માટે બલિદાન આપનારા વીર શહીદોના ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો અવસર છે. તેમણે ઉમેર્યું હતું કે, બાળકો અને યુવાધન દેશનું ભવિષ્ય છે. આવનારી પેઢીએ દેશની પ્રગતિ, સુરક્ષા અને સામાજિક એકતા માટે જાગૃત તથા કર્તવ્યનિષ્ઠ રહેવું જરૂરી છે.
આ પ્રસંગે ભરૂચ ગ્રામ્યના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માધવી મિસ્ત્રી, સ્થાનિક અગ્રણીઓ, પંચાયતના સરપંચ સહિત સભ્યો, વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
