Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ : હાંસોટમાં 8 ઇંચ વરસાદ

ભરૂચ જિલ્લામાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ : હાંસોટમાં 8 ઇંચ વરસાદ
X

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. શનિવારે રાત્રીના સમયે હાંસોટમાં સૌથી વધારે 8 ઇંચ વરસદા ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચમાં 4 અને અંકલેશ્વરમાં 6 ઇંચ વરસાદના પગલે જન જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સલામતીના કારણોસર જિલ્લામાંથી 1,442 લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે.

શ્રાવણના પ્રથમ શનિવારથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ યથાવત રહયો છે. શનિવારની રાત્રીએ ભારે વરસાદના પગલે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઇ રહયું છે. આકાશમાંથી વરસી રહેલા જળના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. જયાં જુઓ ત્યાં માત્ર પાણી અને પાણી જ નજરે પડી રહયું છે. નદી, નાળા અને તળાવો છલકાઇ ઉઠયાં છે. શનિવારે રાત્રે સૌથી વધારે વરસાદ હાંસોટ તાલુકામાં 8 ઇંચ ખાબકયો હતો. ભરૂચમાં 4 અને અંકલેશ્વરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયાં છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે.

ભરૂચ જિલ્લામાં વરસાદની સ્થિતિ પર નજર કરવામાં આવે તો હાંસોટમાં ૯૫૨ આમોદમાં 241 જંબુસર મા 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.ભરૂચના ટંકારીયા રોડ પર આવેલી બાવારૂસ્તમ દરગાહ પાસે ભૂખી ખાડીના પાણી રસ્તા પર વહી રહયાં છે. તેવી જ રીતે ઝગડીયા તાલુકાના ધારોલી ગામ ને વાલિયા સાથે જોડતો માર્ગ અમરાવતી નદીના પાણી ફરી વળતાં બંધ કરાયો છે. આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીની સપાટી 101 ફૂટે પહોંચી છે. નદીની ભયજનક સપાટી 102 ફૂટ છે. નદી કાંઠાના 7 ગામને એલર્ટ રહેવા તંત્રની સૂચના આપી છે. બચાવ અને રાહત કામગીરી માટે એન.ડી.આર.એફ.ની એક ટીમ હાંસોટ પહોંચી ચુકી છે. તેને હાંસોટ તાલુકા પંચાયત કચેરી ખાતે ટિમબે સ્ટેન્ડ બાય રખાય છે.હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કિમ નદી બે કાંઠે વહેતી હોવાથી હાંસોટથી ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેને કાર સહિતના નાના વાહનો માટે બંધ કરી દેવાયો છે.

વીતેલા 24 કલાકમાં વરસાદના આંકડા પર નજર રાખવામાં આવે તો આમોદમાં 2 ઇંચ અંકલેશ્વરમાં 6.25 ઇંચ, ભરૂચમાં 4 ઇંચ, હાંસોટમાં 8 ઇંચ, જંબુસરમાં 2.5 ઇંચ, નેત્રંગમાં 3 ઇંચ, વાગરામાં 2.5 ઇંચ, વાલિયામાં 5.8 ઇંચ અને ઝઘડિયામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. રવિવારે સવારથી વરસાદ અવિરત વરસી રહયો છે. ભારે વરસાદના પગલે વાગરાના નાંદેડા ગામે મકાનની દિવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઇ જતાં એક જ પરિવારની ત્રણ પુત્રીઓના મોત થયાં છે.

Next Story