Connect Gujarat
ગુજરાત

ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ નહિ પણ હવે રસ્તા પર ખાડા એટ્લે ભરુચ

ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ નહિ પણ હવે રસ્તા પર ખાડા એટ્લે ભરુચ
X

18 કીલોમીટરનો વ્યાપ ધરાવતાં ભરૂચના દરેક વિસ્તારમાં 1,800થી વધારે ખાડાઓ : રસ્તાઓ ધોવાઇ જતાં વાહન ચલાવવાનું પણ બન્યુ મુશ્કેલ : ડર 5 ડગલાએ જોવા મળતો ખાડો ભરૂચની બન્યો આગવી ઓળખ : કરોડો રૂપિયાના વેરા વસુલતી પાલિકા શહેરીજનોને સુવિધા આપવામાં નિષ્ફળ

ભરૂચમાં દર વર્ષે ચોમાસાની શરૂઆત થતાંની સાથે રસ્તાઓ પર પડી જતાં ખાડાઓ 2 લાખથી વધારે શહેરીજનો માટે આફત બનીને આવે છે. દર વર્ષે નવા રસ્તાઓ તેમજ રસ્તાઓના રીપેરીંગ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે રસ્તાઓ ધોવાઇ જાય છે. આ વર્ષે જુન મહિનામાં વાયુ વાવાઝોડાની સાથે વરસાદની શરૂઆત સાથે રસ્તાઓનું ધોવાણ શરૂ થયું હતું. ઓગષ્ટ મહિનામાં ચોમાસાની જમાવટની સાથે તો રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયાં છે. ખાડાઓ પણ એટલા મોટા છે કે વાહન ચલાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે. દર વર્ષે ચોમાસામાં રાજય સરકાર તરફથી રસ્તાઓના રીપેરીંગ માટે ગ્રાંટ આપવામાં આવે છે પણ સમસ્યાનો કાયમી હલ આવતો નથી. ઔદ્યોગિક વિકાસની સાથે ભરૂચ શહેરનો વિસ્તાર વધી રહયો છે. ભરૂચના હાલના ક્ષેત્રફળને ધ્યાનમાં લેવામાં આવે તો 18 કીલોમીટરનો વ્યાપ ધરાવતાં ભરૂચના દરેક વિસ્તારમાં 1,800થી વધારે ખાડાઓ જોવા મળી રહયાં છે. નગરપાલિકા સત્તાધીશો ખાડાઓ પુરવા માટે વરસાદ રોકાવાની રાહ જોઇ રહયાં છે. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો સેવાશ્રમ રોડ, કોર્ટ રોડ, મહંમદપુરા, કસક સર્કલ, દહેજ બાયપાસ રોડ સહીતના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહયાં છે. દર 5 ડગલાએ એક ખાડો હવે ભરૂચની ઓળખ બની ચુકયો છે. કોલેજ રોડ પર ગોલ્ડનબ્રિજ પાસે પડેલા ખાડાઓ પુરવાની તો તસ્દી જ લેવામાં આવતી નથી. દર વર્ષે નગરપાલિકાને લાઇટ, સફાઇ અને પાણી સહિતના વેરાઓમાંથી કરોડો રૂપિયાની આવક થાય છે પણ પાલિકા સત્તાધીશો લોકોને પડતી અગવડો દુર કરવામાં નિષ્ફળ રહયાં છે.

ભરૂચ શહેરના ગાંધીબજાર વિસ્તારમાં ભુર્ગભ ગટર યોજનાની કામગીરી બાદ માટી પુરાણ બરાબર નહી થતાં લોકોની હાલત કફોડી બની છે. રસ્તાઓ સહિતની માળખાકીય સુવિધાઓ બાબતે વારંવાર રજૂઆત છતાં પગલાં ભરવામાં નહિ આવતાં સ્થાનિક રહીશો વિફર્યા છે. વેપારીઓ તથા સ્થાનિક રહીશોના કહેવા મુજબ ભરૂચના ફાટાતળાવથી ચાર સસ્તા,ગાંધીબજાર વિસ્તારમાં ચાલુ વર્ષે બે થી ત્રણ વાર ભારે વરસાદી ઝાપટાં પડતા રસ્તાઓનું ઘોવાણ થઈ ગયું છે. ગત વર્ષે પાલિકા દ્વારા જે અંન્ડર ગ્રાઉન્ડ ગટર લાઇન માટે પાઇપ નાંખવામાં આવ્યા હતા.જેના ખોદાણ બાદ યોગ્ય પુરાણ ન કરી પાલિકાના જે તે કોન્ટ્રાકટર દ્વારા માત્ર માટી પુરાણ કરી દેવાતા વરસાદના પગલે અહીં કાદવ કિચડ થવા સાથે આખા રસ્તાઓ ઉપર ખાડા પડી જવા પામ્યા છે.જે વારંવારની રજૂઆત બાદ પણ બરાબર પુરાણ કરાયું નથી. પાલિકા સત્તાધીશો તરફથી માત્ર ઠાલા આશ્વાસનો સિવાય કઇ મળતું નથી. ગંદકી અને ખાડાઓને કારણે ગ્રાહકો ખરીદી માટે આવતાં નહિ હોવાથી ગાંધીબજારના વેપારીઓના ધંધા અને રોજગાર પર અસર જોવા મળી રહી છે. પાલિકા તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહિ હોવાથી ગુરૂવારે સ્થાનિકોએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિક રહીશોએ મુખ્ય અધિકારીને રસ્તાઓ બાબતે ધારદાર રજૂઆતો કરતાં વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. મુખ્ય અધિકારીએ રસ્તાઓ પરના ખાડાઓ પુરવા માટે ટુંક સમયમાં કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી છે.

Next Story