Connect Gujarat
Featured

ભરૂચ : દુકાનમાં ખરીદી વખતે આધેડ વકીલનો થયો યુવાન સાથે ઝગડો, જુઓ પછી કેવો આવ્યો અંજામ

ભરૂચ : દુકાનમાં ખરીદી વખતે આધેડ વકીલનો થયો યુવાન સાથે ઝગડો, જુઓ પછી કેવો આવ્યો અંજામ
X

ભરૂચના ભોલાવ વિસ્તારમાં ખરીદી કરવા ગયેલાં 65 વર્ષીય વકીલને સામાન્ય બાબતે યુવાનોએ માર મારતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આરોપીઓ ખુલ્લેઆમ ફરતાં હોવા છતાં પોલીસ કોઇ કાર્યવાહી કરતી ન હોવાના આક્ષેપ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. બનાવની જાણ થતાં એલસીબી પીઆઇ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો…..

ભરૂચના ભોલાવ ખાતે આવેલી અલકનંદા ગેલેક્ષી ખાતે રહેતા અને વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલા 65 વર્ષીય જશુભાઇ જાદવ 17 ડિસેમ્બરે તેમના ઘર પાસે આવેલી વ્રજ વિહાર સોસાયટી ખાતેની કચ્છ સુપર સ્ટોરમાં સામાન ખરીદી કરવા ગયા હતા. સામાન ખરીદ્યા બાદ તેઓ કાઉન્ટરના ટેબલ પર સામાન મૂકવા માટે ત્યાં ઉભેલા યુવાનને જગ્યા કરવાનું કહેતા યુવાને તેમને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. સામાન્ય બાબતે થયેલાં ઝગડામાં યુવાને તેના સાગરિતોને બોલાવી વકીલને ઢોર માર માર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. દરમિયાન રવિવારે તેમનું મોત થયું હતું. પિતાના મોત બાદ ઉશ્કેરાયેલાં પુત્રો તેમજ અન્ય પરિવારજનોએ હોસ્પિટલની બહાર ધરણાં શરૂ કરી દીધાં હતાં. મૃતકના પુત્રોના જણાવ્યા મુજબ હુમલાખોરો પૈકીના બે શખ્સોના નામ દિનુભા શિવસિંહ રાણા તેમજ પ્રવિણસિંહ રણા તથા તે ટ્રાવેલીંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. વધુમાં પરિવારે આક્ષેપ કર્યો હતો કે, આરોપીઓ ખુલ્લેઆમ ફરતાં હોવા બાબતે ડીવાયએસપીને રજુઆત કરી હોવા છતાં તેમને ઝડપી લેવાની કાર્યવાહી કરાય ન હતી. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. બનાવની જાણ થતાં એલસીબી પીઆઇ જે.એન.ઝાલા સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પરિવારને યોગ્ય ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.

Next Story