ભરૂચ : અજગરના ઇંડાને ફોડી વિકૃતિ સંતોષતા બે યુવાનો ઝડપાયાં, વિડીયો થયો હતો વાયરલ

0

ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક માદા અજગરે કોતરોમાં દર બનાવીને મુકેલાં ઇંડા ફોડી વિકૃત આનંદ ઉઠાવી રહેલા યુવાનોનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોના આધારે વન વિભાગે પોલીસની મદદથી લુવારાના જ બે યુવાનોની અટકાયત કરી છે.

વાગરા તાલુકાના લુવારા ગામના દરિયા કિનારે વેરાન જગ્યામાં દર બનાવીને માદા અજગરે ઇંડા મુકયાં હતાં. દરિયા કિનારે ટહેલવા નીકળેલાં કેટલાક યુવાનોની નજર દર પર પડે છે. બસ પછી તો શું તેમના મગજમાં વિકૃતિ આવી જાય છે અને તેઓ દરમાંથી એક પછી એક ઇંડા બહાર કાઢવા લાગે છે. ઇંડાને લાકડીથી ફોડતાં તેમાંથી બાળ અજગર બહાર આવે છે. આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. ઘટના બાદ જીવદયાપ્રેમીઓએ તપાસની માંગણી કરી હતી.

વન વિભાગે દહેજ મરીન પોલીસની મદદથી યુવાનોને શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી. યુવાનોએ પહેરેલાં કપડા અને હાથમાંના કડાની મદદથી પોલીસે બંને યુવાનોને ઝડપી પાડયાં છે. બંને યુવાનો લુવારા ગામના જ રહેવાસી છે. વન વિભાગની ટીમે બંને યુવાનોને દરિયા કિનારે માદા અજગરના દર પાસે લઇ ગઇ હતી અને પંચનામુ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here