Connect Gujarat
Featured

ભરૂચ : આમોદ-દહેજ માર્ગ પર પુરપાટ ઝડપે દોડતી કારનો અકસ્માત, જુઓ ઘટના સ્થળેથી શું મળ્યું..!

ભરૂચ : આમોદ-દહેજ માર્ગ પર પુરપાટ ઝડપે દોડતી કારનો અકસ્માત, જુઓ ઘટના સ્થળેથી શું મળ્યું..!
X

ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ માર્ગ પર આમોદ નજીક રેલ્વે ફાટક ક્રોસિંગ કરતી વેળા અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટના સ્થળ પરથી દારૂની બોટલ મળી આવતા કાર ચાલકથી નશાની હાલતમાં અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ નશાની લતે ચઢેલા નબીરાઓ ગમે ત્યાંથી દારૂ શોધી જ લે છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજથી આમોદ તરફ આવતી કારમાં સવાર 2 યુવાનો કારમાં જ દારૂ પીને કાર ચલાવતા હોવાની વિગતો સપાટી પર આવી છે. આમોદ નજીક રેલ્વે ફાટકની રેલિંગ પર નશામાં ધૂત નબીરાઓએ કારને ચઢાવી દીધી હતી. પુરપાટ ઝડપે આવતી કાર રેલિંગ સાથે ભટકાતાં ભયંકર રીતે ઉછળી હતી. ફિલ્મી ઢબે સર્જાયેલા અકસ્માત દરમ્યાન કારમાં સવાર બન્ને યુવકોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ 108 ઈમરજન્સી સેવાને થતાં બન્ને યુવકોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે સદનસીબે માર્ગ પર અવરજવર ઓછી હોવાના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. જોકે ઘટના સ્થળેથી વિદેશી દારૂની બોટલ મળી આવતા યુવકો દારૂનું સેવન કરી નશાની હાલતમાં કાર ચલાવતા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. દારૂના સેવનનો વધતો વ્યાપ ગુજરાતના નવયુવાનો માટે જીવલેણ અને જોખમી સાબિત થઈ રહ્યો છે, ત્યારે સરકાર અને પ્રશાસન ખુલ્લી આંખે આંધળી હોવાનો ખેલ બંધ કરે અને કડક પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story