Connect Gujarat
Featured

ભરૂચ : અંકલેશ્વર રોડ પર ભૂતમામાની ડેરી નજીક ફરી એકવાર સર્જાયો અકસ્માત, 2 કાર ભટકાતાં ચાલકોને ઇજા

ભરૂચ : અંકલેશ્વર રોડ પર ભૂતમામાની ડેરી નજીક ફરી એકવાર સર્જાયો અકસ્માત, 2 કાર ભટકાતાં ચાલકોને ઇજા
X

ભરૂચ જિલ્લામાં જૂના નેશનલ હાઇવે નં. 8 ઉપર ભરૂચ-અંકલેશ્વર રોડ પર ભૂતમામાની ડેરી નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને કારના ચાલકને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આ માર્ગ પર 3 દિવસ અગાઉ બાઇક અને જેસીબી વચ્ચે અકસ્માત થતાં 2 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ભરૂચ તથા અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નં. 8 ઉપર ભૂતમામાની ડેરી નજીક ગત તા. 23 ઓક્ટોબરના રોજ બાઇક અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાતા અંકલેશ્વરના 2 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે 3 દિવસ બાદ મંગળવારના રોજ સવારના સુમારે ફરી એકવાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં 2 કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બન્ને કારના ચાલકને નાનીમોટી ઇજા પહોચી હતી.

બનાવના પગલે ઘટના સ્થળે ટોળે વળેલા લોકોએ પોલીસ થતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માતની ઘટનામાં બન્ને વાહનોમાં મોટું નુકશાન પણ થયું હતું, ત્યારે હાલ તો અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

પરંતુ છેલ્લા 1 અઠવાડીયાથી ભરૂચ-અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નં. 8 ઉપર ગોલ્ડન બ્રિજથી ભૂતમામાની ડેરી સુધી વાહનોને અવરજવર માટે વન-વે કરવામાં આવ્યો છે. જોકે તંત્ર દ્વારા માર્ગ પર કોઈપણ પ્રકારના ડાયવર્ઝન કે દિશા સૂચક બોર્ડ લગાડવામાં આવ્યા નથી. જેના કારણે પૂરઝડપે દોડતા વાહનો વચ્ચે અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધુ પડતી રહે છે, ત્યારે હવે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન રાખવામાં આવે તો આ માર્ગ પર બનતી અકસ્માતની ઘટનાઓ નિવારી શકાય તેમ છે.

Next Story