Connect Gujarat
Featured

ભરૂચ : ભીડભંજન વિસ્તારમાં ચાર વર્ષીય બાળક માતાને શોધતું હતું, જુઓ પછી શું થયું

ભરૂચ : ભીડભંજન વિસ્તારમાં ચાર વર્ષીય બાળક માતાને શોધતું હતું, જુઓ પછી શું થયું
X

ભરૂચ શહેરના ભીડભંજન વિસ્તારમાંથી પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકનું એક સેવાભાવી યુવાનના પ્રયાસોથી માતા સાથે સુખદ મિલન થયું છે. માતાની મમતા વિખુટા પડેલા બાળકને હોસ્પિટલ સુધી ખેંચી લાવી હતી અને ત્યાં માતા અને પુત્ર એકબીજાને મળી ગયાં હતાં.

ભીડભંજન વિસ્તારમાં એક ચાર વર્ષીય બાળક રડી રહયું હતું અને તેના પર નયન ટેલર નામના યુવાનની નજર પડી હતી. તેણે બાળકને નામ અને સરનામુ પુછતાંતે બરાબર જવાબ આપી શકે તેવી હાલતમાં ન હતું. નયન તથા તેમના અન્ય મિત્રોએ શહેરમાં બાળકના વાલીવારસોની શોધખોળ શરૂ કરી હતી પણ કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં જયાં મીડીયાકર્મીઓની સલાહ લઇને બાળકને નયનભાઇએ પોતાના ઘરે લઇ જઇ સવારે પોલીસને સોંપી દેવાનો નિર્ણય કર્યો હતો.

બીજી તરફ સિવિલ હોસ્પિટલના સ્ટાફને પણ બાળક મળ્યું હોવાની જાણ થઇ હતી. અને કુદરતનો કરિશ્મા તો જુઓ સવારના સમયે સિવિલમાં સારવાર માટે આવેલી એક મહિલાએ તેનું બાળક ગુમ થયું હોવાની વાત કરી હતી. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ નયન ટેલરનો સંપર્ક કરતાં તેઓ બાળક સાથે હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. અને તે મહિલા જ બાળકની માતા નીકળી હતી. આમ માતા અને પુત્રનું સુખદ મિલન થતાં હોસ્પિટલમાં હદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યાં હતાં. આંખોમાંથી વહેતી અશ્રુધારા સાથે માતાએ નયન ટેલરનો આભાર માન્યો હતો.

Next Story