ભરૂચ : દર્દીઓ લાવે છે સ્વખર્ચે પીવાનું પાણી, સિવિલ હોસ્પીટલમાં પીવાના પાણીની સમસ્યા યથાવત

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી પીવાના
પાણીની સમસ્યાના અનુસંધાનમાં શહેરના કેટલાક જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટર કચેરી
ખાતે આવેદન પત્ર પાઠવી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.
ભરૂચ શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાભરમાંથી
મધ્યમ તેમજ જરૂરિયાતમંદ લોકો પોતાના દર્દની સારવાર કરાવવા માટે આવતા હોય છે, ત્યારે છેલ્લા ચાર-પાંચ મહિનાથી ભરૂચ સિવિલ
હોસ્પિટલના તંત્ર દ્વારા પીવાના પાણી અંગે કોઈ પણ સુવિધા કરવામાં આવી નથી. પાણીની
સુવિધાના અભાવે દર્દીઓ તેમજ તેમના સગાઓએ સ્વખર્ચે બહારથી વેચાતું પાણી લાવવાની ફરજ
પડી રહી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણી મુદ્દે સુરેશ
વસાવા, કરણસિંહ વસાવા સહિતના કેટલાક જાગૃત નાગરિકોએ જિલ્લા
કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રોષ વ્યક્ત કર્યો હતો. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, સિવિલ હોસ્પિટલ તેમજ વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણીના
પ્રશ્નનું ત્વરિત નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો વહેલી તકે
પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ
ઉચ્ચારાઈ હતી.