Connect Gujarat
Featured

ભરૂચ : ભિક્ષુક માતાના મોતથી અજાણ બાળકીએ સૌને રડાવ્યાં, જુઓ શું છે ઘટના

ભરૂચ : ભિક્ષુક માતાના મોતથી અજાણ બાળકીએ સૌને રડાવ્યાં, જુઓ શું છે ઘટના
X

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ટી.બી.ની બિમારીની સારવાર લઇ રહેલી ભિક્ષુક મહિલાનું મોત થઇ ગયું હતું. માતાના મોતથી અજાણ બાળકી મૃતદેહ પાસે બેસીને તેની માતાને જગાડવાનો પ્રયાસ કરી રહી હતી પણ તેને કયાં ખબર હતી કે તેની મમ્મી હવે આ દુનિયામાં નથી રહી. પાષાણ હદયી માનવીના હૈયાને પણ પીગળાવી દેતો અમારો આ અહેવાલ…..

ભરૂચ સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડની નિરવ શાંતિને ચીરતી એક બાળકીનો નિર્દોષ અવાજ સૌને રડાવી રહયો હતો. માતાના આલિંગનમાં બેઠેલી ત્રણ વર્ષીય પ્રિન્સી તેની માતાને જગાડવાનો પ્રયાસ કરી રહી હતી. વ્હાલી દીકરીનો અવાજ સાંભળીને પણ માતાના શરીરમાં કોઇ હલનચલન ન હતું તેનું કારણ હતું કે માતા મૃત્યુ પામી ચુકી હતી. ભરૂચ શહેરના દાંડીયાબજાર વિસ્તારમાં રહેતા અને ભિક્ષા માંગી ગુજરાન ચલાવતાં મનીષાબેનને ટીબીની બિમારી હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં હતાં. તેમના પતિનું મૃત્યુ થઇ ચુકયું હોવાથી તેઓ તેમની ત્રણ વર્ષીય પુત્રી પ્રિન્સીના સહારે જીવન ગુજારી રહયાં હતાં.

અંકલેશ્વર તાલુકાનાં જુના છાપરાં ગામે રહેતી મનીષા વસાવાનાં થોડાં વર્ષ પહેલાં ભરૂચનાં ધોળીકુઈ બજારમાં રહેતા અમૃત વસાવા સાથે પ્રેમ લગ્ન થયાં હતાં. ત્રણ વર્ષ પહેલાં અમૃત વસવાનું મોત થતાં મનીષા અને પુત્રી પ્રિન્સી નિરાધાર બનતા તેમણે ભીખ માંગીને પોતાનું પેટ ભરવાનું શરૂ કર્યું હતું. શનિવારના રોજ મનીષા વસાવાએ અંતિમ શ્વાસ લેતા પ્રિન્સી નિરાધાર બની હતી. ઘટનાની જાણ થતાં સામાજીક કાર્યકર્તા ધર્મેશ સોલંકી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં અને તેમણે મનીષાબેનના અંતિમ સંસ્કારની કાર્યવાહી હાથ ધરી હતી. માતા અને પિતાનું છત્ર ગુમાવનારી પ્રિન્સીના ભરણપોષણ માટે સેવાભાવી સંસ્થાઓ આગળ આવે તેવી તેમણે અપીલ કરી છે.

Next Story