Connect Gujarat
ગુજરાત

ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ડીજીટલ એક્ષરે રૂમ ગંદા પાણીથી ઉભરાયો

ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ડીજીટલ એક્ષરે રૂમ ગંદા પાણીથી ઉભરાયો
X

ભરૂચ સિવિલ હોસ્પિટલ તેના વહિવટના કારણે વારંવાર ચર્ચાની એરણે ચઢતું આવ્યું છે. જેમાં સત્તાધિશોની આડોડાઇ કે અણાવડતના કારણે અસુવિધાઓ ઉભી થતાં તેનો ભોગ નિર્દોષ ગરીબ પ્રજાને બનવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાની એક માત્ર કહેવાતી અદ્યતન આ સિવિલ હોસ્પીટલમાં અગાઉ ઉભરાતી પાણીની ટાંકીનો પ્રોબ્લેમ હજુ સોલ્વ નથી થયો ત્યાં હોસ્પિટલના ડીજીટલ એક્ષરે રૂમમાં પાણી ઘૂસી જવાના કારણે તાત્કાલીક બંધ કરવાની ફરજ પડી હતી.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વર્ષોબાદ ઉપલબ્ધ કરાવાયેલ ડીજીટલ એક્ષરે મશીન શોટસર્કીટ ના થાય તેના કારણે પાણી ભરાતા બંધ કરી દેવાયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેના પગલે એક્ષરે માટે આવતા દર્દીઓને બહાર જઈ એક્ષરે પડાવવા રૂપિયા ખર્ચ કરવાનો વારો આવ્યો છે. આજે વહેલી સવારથી જ સિવિલ હોસ્પિટલના ડીજીટલ એક્ષરે રૂમમાં ઉપરના માળના બાથરૂમ, ટોયલેટનું પાણી ઉભરાઇ નીચે આવતા સંપૂર્ણ ડીજીટલ એક્ષરે રૂમ ગટરના પાણીથી છલોછલ ભરાયેલ જોવા મળ્યો હતો. જેના કારણે શોટસર્કીટ ના થાય માટે તેને તાત્કાલીક બંધ કરવા સાથે સફાઇ કર્મીઓ દ્વારા રૂમમાં ભરાયેલ પાણી બહાર કાઢવાની કવાયત હાથ ધરાઇ હતી.

આ અંગે રેસીડેન્સીયલ મેડિકલ ઓફિસર એસ.આર. પટેલને પુછતા તેમણે પુન: તેમનો બચાવ કરતા એટલું તો સ્વીકાર્યું કે હા પાણી ભરાવાના પગલે ડીજીટલ એક્ષરે રૂમ બંધ કરાવ્યો છે. સાથે તેમણે પી.આઇ.યુ તેમજ પાલિકાને આ અંગેની જાણ કરી છે અને રૂમમાંથી પાણીનો નિકાલ થયા બાદ ફરી ડીજીટલ એક્ષરે સેવા કાર્યાંવીત કરાશે કહી ભીનું સંકેલ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધિશો તેમના વહિવટના કારણે વારંવાર ચર્ચાની એરણે ચઢતા આવ્યા છે. સુરતની ગોઝારી ઘટના બાદ પણ તેમના પેટનું પાણી ના હલ્યું હોય તેમ લાગી રહ્યું છે. એટલું જ નહીં સિવિલ હોસ્પિટલમાં દવાઓ તો ઠીક પણ તબીબો અને નર્સોએ ઇમરજંસી વિભાગમાં ડ્રેસીંગ કરવા કે ટાંકા લેવા પહેરવા પડતા હેન્ડગ્લોઝ પણ ૧૦૮ કર્મીઓ પાસે માંગવાની નોબત આવી છે. છેલ્લા કેટલાય સમયથી હેન્ડગ્લોઝનો સ્ટોક જ નથી. આ અંગે જિલ્લા કલેકટર પોતાના તાબા હેઠળની સિવિલ હોસ્પીટલની જાત મુલાકાત લે તેમજ દર્દીઓને મળવા પાત્ર તમામ સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story