Connect Gujarat
Featured

ભરૂચ : અહમદ પટેલના નિધન બાદ કોંગ્રેસમાં શુન્યાવકાશ, ગત ટર્મમાં જીતેલી બેઠકો પણ ન જાળવી શકી

ભરૂચ : અહમદ પટેલના નિધન બાદ કોંગ્રેસમાં શુન્યાવકાશ, ગત ટર્મમાં જીતેલી બેઠકો પણ ન જાળવી શકી
X

ભરૂચના પનોતા પુત્ર અને રાજયસભાના સાંસદ અહમદ પટેલ આપણી વચ્ચે હયાત નથી. સાંસદ અહમદ પટેલની ગેરહાજરીમાં કોંગ્રેસ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ગત ટર્મમાં મળેલી બેઠકો જાળવી રાખવામાં પણ સફળ રહી નથી.

રાજયસભાના સાંસદ અહમદ પટેલ તેમના સરળ વ્યકતિત્વ, શાલીન ભાષા અને તમામ પક્ષના નેતાઓ સાથેના સંબંધો અને કુશળ રાજનિતિ માટે જાણીતા હતાં. કોરોનાના કારણે અહમદ પટેલનું નિધન થયું છે. તેમના નિધન બાદ આખી કોંગ્રેસને તેમની ખોટ સાલી રહી છે. ભરૂચમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીના પરિણામો કોંગ્રેસની સાથે બીટીપી માટે પણ ચોંકાવનારા આવ્યાં છે. અહમદ પટેલની હયાતીમાં બીટીપીના છોટુભાઇ વસાવા કોંગ્રેસની પડખે રહેતાં હતાં પણ અહમદ પટેલની વિદાય બાદ તેમણે પણ કોંગ્રેસ તરફથી મો ફેરવી લઇ એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન કરી લીધું હતું.

બીટીપીએ એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન કરતાં બીટીપીની પરંપરાગત વોટબેંક સરકીને ભાજપ તરફ ચાલી ગઇ હતી પરિણામે ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. અંકલેશ્વર નગર પાલિકામાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે અને સમ ખાવા પુરતી 5 બેઠક મળી છે. ભરૂચ નગરપાલિકામાં લઘુમતી મતદારોએ કોંગ્રેસની શાખ બચાવી લીધી છે પણ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસે ગત ટર્મ કરતાં પણ ઓછી બેઠકો મેળવી છે. આ બેઠકો ભાજપે હસ્તગત કરી દીધી છે. અંકલેશ્વરના પુર્વ નગરસેવક અને સિનિયર આગેવાન ભુપેન્દ્ર જાનીએ કોંગ્રેસ પાર્ટીને અહમદ પટેલની ખોટ વર્તાઇ રહી હોવાની કબુલાત કરી છે.

Next Story