Connect Gujarat
ગુજરાત

એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ કપરાડાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરતા રાજ્ય મંત્રી રમણલાલ પાટકર

એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ કપરાડાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરતા  રાજ્ય મંત્રી રમણલાલ પાટકર
X

વલસાડ જિલ્લાના કપરાડા ખાતેની એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલનું વિસ્તરણ કરી રૂ. ૧૪.૬૦ કરોડના ખર્ચે નવા બનાવાયેલા અદ્યતન સુવિધાયુકત મકાનનું વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે લોકાર્પણ કર્યું હતું. આ મકાનમાં સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગ તેમજ ડાઇનિંગ હોલનો સમાવેશ કરાયો છે.

કાર્યક્રમની શરૂઆતમાં જમ્મુ-કશ્મીરમાં શહીદ થયેલા વીર જવાનો માટે બે મીનીટ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ અવસરે આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે થયેલી કામગીરી અંગે સવિસ્તર જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આદિજાતિ ક્ષેત્રના અનેક બાળકો શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર રહયા છે જે આ વિસ્તાર માટે ગર્વની બાબત છે. આદિજાતિના વિદ્યાર્થીઓ માટે અનામત રાખેલી એમ.બી.બી.એસ.ની તમામ બેઠકો ભરાઇ જતાં આવનારા સમયમાં હજારદ આદિવાસી દીકરા-દીકરીઓ ડોક્ટર બનશે. શિક્ષણ મેળવવાના હેતુસર વિદ્યાર્થીઓને રહેવા માટે મોટા શહેરોમાં સમરસ હોસ્ટેલ બનાવવામાં આવી છે. જ્યોતિગ્રામ યોજના થકી દરેક ગામોમાં ૨૪ કલાક વીજળી મળી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="84720,84721,84722,84723"]

પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્મચારીઓને કર્મયોગી બનાવી રાજ્ય સરકારની કામગીરીને વેગવાન બનાવી હતી. જેના થકી ગુજરાત રાજ્યએ આર્થિક દૃષ્ટિએ હરણફાળ ભરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતા હાટ બજાર થકી ખેડૂતોની સાથે ગ્રાહકોને પણ ફાયદો થયો છે. આજના યુવાનો આઇ.ટી.આઇ.માં ટેકનીકલ તાલીમ મેળવી ઘર આંગણે સ્વરોજગારી મેળવવાની સાથે ગામના અન્ય લોકોને પણ રોજગારી આપતા થયા છે જેના થકી ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ અનેકગણો વધ્યો છે. કિસાન સન્માનનિધિ હેઠળ દરેક ખેડૂતને ૬ હજાર રૂપિયા આપવામાં આવશે, જેના જરૂરી દસ્તાવેજા ગ્રામ પંચાયતમાં જમા કરાવી દેવા અને જેની વારસાઇ કરવાની બાકી હોય તે સત્વરે કરાવી લેવા જણાવ્યું હતું. જંગલની જમીન ખેડૂતના નામે કરવા અંગે આવેલી ચાર હજાર જેટલી અરજીઓ પૈકી અઢારસો જેટલી ફાઇલનો નિકાલ થઇ ગયો છે, જ્યારે બાકીની ફાઇલો પણ ટૂંક સમયમાં નિકાલ થઇ જશે, તેમ તેમણે જણાવ્યું હતું.

કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલમાં આદિજાતિના બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ આપવામાં આવે છે. જેના થકી શાળાનું પરિણામ પણ સારું આવે છે, જે અભિનંદનીય છે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રકચરની સારી વ્યવસ્થા કરી છે ત્યારે આ શાળામાં અભ્યાસ કરતા બાળકો ભણી-ગણીને આગળ વધે તેવી શુભકામના પાઠવી હતી.

ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં આદિજાતિ કુટુંબના બાળકો સારા વાતાવરણમાં રહી અભ્યાસ કરે શકે તે માટે રેસીડેન્સીયલ શાળાઓ બનાવવામાં આવી હોવાનું જણાવી બાળકો પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

સ્વાગત પ્રવચનમાં બી.સી.ચુડાસમાએ સૌને આવકારતાં જણાવ્યું હતું કે, એકલવ્ય મોડેલ રેસીડેન્સયલ સ્કૂલ ૨૦૦૯માં શરૂ થઇ હતી. આ શાળામાં હાલ ૩પ૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લઇ રાજ્ય સરકારે વધારાના મકાન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ શાળાના એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ પ્રથમ આવ્યા છે અને શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવે છે.

ટ્રાયબલ એજ્યુકેશન સોસા. ડિરેક્ટર અર્જુનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, બાળ માનસ અને સમાજનું ઘડતર શાળામાં થાય છે. સ્નેહ અને વાત્સલ્યની સાથે ભણતર અને જીવન ઘડતરના પાઠ ભણાવવા જરૂરી છે. વિદ્યાર્થીઓને સુવિધાયુક્ત મકાન રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે છે, ત્યારે બાળકો ભણતરમાં સારું પ્રદર્શન કરે તે માટે શિક્ષકો અને વાલીઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે તે જરૂરી છે. શિસ્તનું પાલન કરવાની સાથે સંસ્કારી અને જીવન ઉપયોગી શિક્ષણ થકી બાળક પોતાની સવા*ગી વિકાસ સાધી શકે છે.

શાળાના બાળકોએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતાં.આ અવસરે મામલતદાર મહેશભાઇ પટેલ, માર્ગ-મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, અગ્રણી ધાકલભાઇ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન, કપરાડાના સરપંચ, આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાબભાઇ, શાળા પરિવાર, શાળાના બાળકો ઉપસ્થિત રહયા હતા. આચાર્ય વસંત પાઠકે આભારવિધિ આટોપી હતી.

Next Story