Connect Gujarat

ભરૂચ : દિવ્યાંગ વિદ્યાર્થીને નેત્રંગ કેન્દ્રથી પરીક્ષા આપવા મળી ખાસ મંજૂરી, શિક્ષણ વિભાગનો માન્યો આભાર

ભરૂચ : દિવ્યાંગ વિદ્યાર્થીને નેત્રંગ કેન્દ્રથી પરીક્ષા આપવા મળી ખાસ મંજૂરી, શિક્ષણ વિભાગનો માન્યો આભાર
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામમાં એક ૯૫% દિવ્યંગતા ધરાવતા વિદ્યાર્થીને નેત્રંગ કેન્દ્રથી પરીક્ષા આપવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ મંજૂરી આપવામાં આવી છે, ત્યારે દિવ્યાંગ વિદ્યાર્થીને ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવાની ઈચ્છા પૂર્ણ થતાં શિક્ષણ વિભાગનો આભાર માન્યો છે.

રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ૯૫% દિવ્યંગતા ધરાવતો વિદ્યાર્થી બ્રિજેશ પટેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા ખાસ મંજૂરી આપીને નેત્રંગ કેન્દ્ર ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

નેત્રંગ ગામના ગાંધીબજાર વિસ્તારમાં રહેતા ભરતભાઈ પટેલનો એકનો એક પુત્ર બ્રિજેશ પટેલ જન્મના 2 વર્ષ બાદ ઓસ્ટિયો પોરોસિસના રોગના જપેટમાં આવી જતા તેનું શરીર ૯૫% દિવ્યંગતામાં આવી ગયું હતું. બ્રિજેશ પટેલે ઘર નજીક આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ સુધી અભ્યાસ કર્યો છે. હાલ તે નેત્રંગ તાલુકામાં સામાજિક કાર્યકર તરીકે ફરજ બજાવે છે.

આ વર્ષે બ્રિજેશ પટેલે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે તે ૯૫% દિવ્યંગતા ધરાવતો હોવાથી જીલ્લામાં કોઈ દૂરના પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા કરતાં નજીકમાં જ પરીક્ષા આપી શકે તે માટે બ્રિજેશ પટેલે પરીક્ષા સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને કેન્દ્ર બદલી બાબતની અરજી કરી હતી. જે અરજીના આધારે બ્રિજેશ પટેલ પરીક્ષા આપી શકે તે અંગે ધ્યાને લઈ ગાંધીનગર બોર્ડ દ્વારા ખાસ કિસ્સામાં તેને નેત્રંગ કેન્દ્રથી પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે નેત્રંગ કેન્દ્ર પરથી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવાની ઈચ્છા પૂર્ણ થતાં બ્રિજેશ પટેલે શિક્ષણ વિભાગનો આભાર માન્યો છે.

Next Story
Share it