Connect Gujarat
Featured

ભરૂચ : પોતાના ઘરની “લક્ષ્મી” સમાન દીકરીની પરિવારે કરી પુજા, ધનતેરસના પર્વની કરાઇ અનોખી રીતે ઉજવણી

ભરૂચ : પોતાના ઘરની “લક્ષ્મી” સમાન દીકરીની પરિવારે કરી પુજા, ધનતેરસના પર્વની કરાઇ અનોખી રીતે ઉજવણી
X

દિવાળીના મહાપર્વની શરૂઆત થઈ રહી છે. આ પર્વનો પ્રથમ દિવસ એટલે કે, ધનતેરસ. ધનતેરસના દિવસે મા લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, ત્યારે ભરૂચમાં રહેતા કેટલાક પરિવારે પોતાના ઘરની લક્ષ્મી સમાન પોતાની દીકરીની પુજા કરી ધનતેરસના પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.

બ્રહ્મ પુરાણમાં કહેવાયું છે કે, દિવાળીના પર્વ દરમ્યાન આવતા ધનતેરસના દિવસે લક્ષ્મીજી સમગ્ર રાત્રી દરમ્યાન વિહાર કરવા માટે નીકળે છે. ધનતેરસના દિવસે લક્ષ્મીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. સોના-ચાંદીના દાગીના, રૂપિયાનું પણ પૂજન કરવામાં આવે છે. દેવોને પણ આ દિવસે જ અમૃત મળ્યું હતું. ધનતેરસના દિવસે લક્ષ્મીનું પૂજન કરવાથી સંપત્તિ પવિત્ર બને છે. ધનતેરસના દિવસે ધન્વંતરીનું પ્રાગટ્ય થયું હોવાથી ઘન્વન્તરી ત્રયોદશી સહિત આરોગ્યની આરાધનાનું પર્વ પણ કહેવામાં આવે છે. આજના દિવસે દેવી લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે, ત્યારે ભરૂચમાં રહેતા કેટલાક પરિવારે પોતાની દીકરીની પુજા કરી હતી.

ભરૂચના રહેવાસી શોભિત વૈદ્ય અને તેમની ધર્મપત્નીએ પોતાની 6 વર્ષીય દીકરી સ્વરાની ધનતેરસના દિવસે પુજા કરી હતી. જેમાં સૌપ્રથમ નર્મદાનું પવિત્ર જળ અને પંચામૃતથી દીકરીના ચરણ સ્વચ્છ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દીકરીના કપાળે કુમકુમ તિલક કરી તેની આરતી ઉતારવામાં આવી હતી. તો સાથે જ દીકરીના ચરણ સ્પર્શ કરી માતા-પિતાએ દીકરીના આશીર્વાદ પણ લીધા હતા. તો આવી જ રીતે ભરૂચના રહેવાસી અમિત ચાવડાએ પણ પોતાની 13 વર્ષીય દીકરી પલના ચરણ સ્વચ્છ કરી તેના કપાળે કુમકુમ તિલક કરી ધનતેરસના પર્વની ઉજવણી કરી હતી. જોકે કહેવાયું છે કે, ધનતેરસના દિવસે કરવામાં આવતા પૂજનનું ફળ જલ્દી મળે છે, ત્યારે ભરૂચના આ બન્ને પરિવારોએ પોતાના ઘરની લક્ષ્મી સમાન પોતાની દીકરીની પુજા કરી ખરા અર્થમાં ધનતેરસના પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.

Next Story