Connect Gujarat
Featured

ભરૂચ : ખેડૂતોની લડતનો થયો વિજય, ઇન્કમટેકસ વિભાગે નોટીસો દફતરે કરી

ભરૂચ : ખેડૂતોની લડતનો થયો વિજય, ઇન્કમટેકસ વિભાગે નોટીસો દફતરે કરી
X

ભરૂચ જિલ્લાના ખેડૂતોના પ્રચંડ વિરોધ સામે આખરે આયકર વિભાગે નમતું જોખ્યું છે. ઇન્કમટેકસ ભરવા સંદર્ભે આપવામાં આવેલી નોટીસો દફતરે કરવાનો નિર્ણય લેવાતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.

ભરૂચ જિલ્લાના 1,500 કરતાં વધારે ખેડૂતોને ઇન્કમટેકસ ભરવા માટે આયકર વિભાગે નોટીસ આપતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. છેલ્લા એક મહિના ઉપરાંતથી ખેડૂતો નોટીસો આપવાના આયકર વિભાગના નિર્ણયને મનસ્વી ગણાવી લડત ચલાવી રહયાં હતાં. ભરૂચ જિલ્લા ખેડુત સમાજના નેજા હેઠળ જિલ્લાભરના ખેડુતો સંગઠિત બન્યાં હતાં. ઇન્મકટેકસ વિભાગે આપેલી નોટીસનો સામુહિક રીતે જવાબ આપવા માટે ગુરૂવારના રોજ રેલી કાઢવામાં આવી હતી. આ અગાઉ ભરૂચના ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના હોલમાં ખેડુત સંમેલન બોલાવવામાં આવ્યું હતું જેમાં લડતને ઉગ્ર બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

ગુરૂવારના રોજ ભારે વિવાદ વચ્ચે ખેડૂત આગેવાનો અને આયકર વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, ઇન્કમટેકસ વિભાગની કલમ 10 (એ) મુજબ ખેડૂતોએ આવકવેરો ભરવાનો નથી તથા ચાર્ટડ એકાઉટન્ટ રાખવાના નથી તેમ છતાં ખેડૂતોને માત્ર હેરાનગતિ કરવા માટે નોટીસો આપવામાં આવી છે. ધરતીપુત્રોની ધારદાર દલીલો બાદ આખરે ઇન્કમટેકસ વિભાગે ખેડૂતોને આપવામાં આવેલી નોટીસો દફતરે કરવાનો નિર્ણય કર્યો છે. એક મહિના ઉપરાંતથી ચાલી આવતી લડતમાં વિજય થતાં ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.

Next Story