Connect Gujarat
સમાચાર

ભરૂચ: 26મી જાન્યુઆરીએ શહેરીજનોને મળશે નવી ભેટ, 100 ફૂટની ઊંચાઈએ લહેરાશે વિશાળ તિરંગો

ભરૂચ: 26મી જાન્યુઆરીએ શહેરીજનોને મળશે નવી ભેટ, 100 ફૂટની ઊંચાઈએ લહેરાશે વિશાળ તિરંગો
X

આવતી કાલે તા. 26મી જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લામાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ફરકાવવામાં આવશે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે અંદાજિત રૂપિયા 15 લાખના ખર્ચે નિર્માણ પામનાર ફ્લેગ માસ્ટ ઉપર 30 ફૂટ લાંબો અને 20 ફૂટ પહોળો તિરંગો 24 કલાક ફરકતો રહેશે.

ભરૂચ શહેરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત વિશાળ રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 30.5 મીટર એટલે કે, 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ 24 કલાક લહેરાતો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાષ્ટ્રધ્વજના પોલનું નિર્માણ કરી રહેલા આયોજકોના જણાવ્યુ હતું કે, ધ્વજસંહિતા અનુસાર 3:2ના પ્રમાણમાં રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ હોવી જોઈએ. જેના આધારે ભરૂચમાં લહેરાનારા વિશાળ રાષ્ટ્રધ્વજની લંબાઈ 30 અને પહોળાઈ 20 ફૂટની રાખવામાં આવી છે. 12 કિલો જેટલું વજન ધરાવતો રાષ્ટ્રધ્વજ ખાસ મુંબઈથી મંગાવવામાં આવ્યો છે, ત્યારે આવનારા 50 વર્ષ સુધી રાષ્ટ્રધ્વજનો પોલ અડીખમ રહે તેવું નિર્માણકર્તાઓએ જણાવ્યું હતું.

ઉપરાંત ભારત દેશની વિવિધ સરકારી કચેરીઓ ખાતે તિરંગાની ગરિમા જાણવવા સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે જ લહેરાતો રાખવામાં આવે છે. પરંતુ આ ધ્વજને રોજ સવારે ચઢાવવો અને સાંજે ઊતારવો શક્ય ન હોવાથી 350 વોટની 4 ફ્લડ લાઈટની રોશનીથી તેના ઉપર પ્રકાશ ફેંકી દિવસ-રાત લહેરાતો રાખવામાં આવશે. કુદરતી રીતે ધ્વજને કોઈ નુકશાન થાય તો બીજો ધ્વજ બદલી શકાય તે માટે એક વધારાનો રાષ્ટ્રધ્વજ પણ રાખવામાં આવશે, ત્યારે આ રાષ્ટ્રધ્વજ ભરૂચની આગવી ઓળખ સાથે શહેરીજનો માટે એક નવું નજરાણું પણ બની રહેશે.

Next Story