ભરૂચ : ગાજયાં મેહ આખરે વરસ્યાં, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

0

હવામાન વિભાગની આગાહીને સાચી પાડતાં હોય તેમ રવિવારે રાતથી રાજયભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ભરૂચ શહેરમાં પણ વરસાદની એન્ટ્રીથી ફુરજા સહિતના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયાં હતાં.

ભરૂચવાસીઓ આતુરતાપુર્વક વરસાદની રાહ જોઇ રહયાં હતાં. રવિવારે રાતથી શરૂ થયેલાં વરસાદે સોમવારે સવાર સુધીમાં સર્વત્ર જળબંબાકાર કરી નાંખ્યું હતું. શહેરના મુખ્યમાર્ગો પર પાણીનો ભરાવો થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ભારે વરસાદના કારણે જનજીવન પણ ઠપ થઇ ગયું હતું.

હવે વાત કરીએ ભરૂચ શહેરની વાસ્તવિકતાની.. ભરૂચ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી અંડરગ્રાઉન્ડ ગટરની કામગીરી ચાલી રહી છે પણ આ યોજના હજી સુધી પુરી થઇ શકી નથી. ખાસ કરીને જુના ભરૂચની ગટરો હવે વરસાદી પાણીના નિકાલ માટે નાની પડી રહી છે. સામાન્ય વરસાદમાં પણ ફુરજા, કતોપોર બજાર, ફાટા તળાવ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઇ જાય છે. સોમવારના રોજ સવારે પણ આ વિસ્તારોમાં નદી વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ગટરના પાણી વરસાદી પાણી સાથે ભળી  જતાં લોકોએ ભારે દુર્ગંધનો સામનો કર્યો હતો.

દર ચોમાસામાં વરસાદના કારણે ભરૂચ નગરપાલિકાની પ્રિ મોનસુન કામગીરીની પોલ ખુલ્લી પડી જતી હોય છે. પાલિકા સત્તાધીશો કોઇને કોઇ બહાનું કાઢી પોતાની લાજ બચાવી લેતાં હોય છે પણ હવે વરસાદી પાણીના નિકાલ માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવે તે જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here