Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી, સરકારી દવાઓ ખુલ્લામાંથી મળી

ભરૂચઃ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી, સરકારી દવાઓ ખુલ્લામાંથી મળી
X

બ્લોક હેલ્થ ઓફિસરને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા, કર્મચારીઓની ભૂલ હોવાનું કબુલ્યું

ભરૂચનાં લાલબજાર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરનાં કર્મચારીઓની એક ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં આ હેલ્થ સેન્ટરમાં વપરાતી દવાઓનો જથ્થો હેલ્થ સેન્ટરની પાછળનાં ભાગે ખુલ્લામાં મળી આવ્યો હતો. જે બાદ બ્લોક હેલ્થ ઓફિસરનું સ્થાનિકોએ ધ્યાન દોરતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક સમયથી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કાર્યરત કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે. જેના પગલે આ હેલ્થ સેન્ટર પણ બંધ રહેતું હોવાનું સામે આવ્યું છે.

ભરીચ શહેર સહિત જિલ્લામાં હાલ સિઝનલ બિમારીઓ ઉથલો મારી રહી છે. દિન પ્રતિદિન સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતી દવાઓ લોકો સુધી પહોંચતી નહીં હોવાનો કિસ્સો ભરૂચ શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. લાલબજા વિસ્તારમાં આવેલું સરકાર સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર પાસેથી આ બેદરકારી સામે આવી છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી કેટલીક દવાઓનો જથ્થો હેલ્થ સેન્ટરનાં પાછળનાં ભાગે ખુલ્લામાંથી મળી આવ્યો હતો. જેની જાણ સ્થાનિક રહિશોને થતાં બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. કેશવનો સંપર્ક કર્યો હતો.

બ્લોક હેલ્થ ઓફિસર સ્થળ ઉપર દોડી આવતાં હકીકતને તેમણે સ્વાકારી હતી. અને કબૂલ્યું હતું કે આ કર્મચારીઓની ગંભીર બેદરકારી છે. દવાઓને આવી રીતે ખુલ્લામાં મૂકી શકાય તેમ નથી. આ દવાઓના જથ્થામાં કેટલીક દવાઓ એક્ષપાયરી ડેટ વાળી તો કેટલીક હાલમાં ઉપયોગમાં લઈ શકાય તેવી હતી. ત્યારે બ્લોક હેલ્થ ઓફિસરે આ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓનો ઉધડો લીધો હતો. તો ખુલ્લામાં પડેલો દવાઓનો જથ્થો પરત હેલ્થ સેન્ટરમાં મૂક્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે, છેલ્લા કેટલાંક સમયથી નેશનલ હેલ્થ મિશન સાથે સંકળાયેલા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ કરી રહ્યા છે. જેના પગલે આ હેલ્થ સેન્ટર લોકો માટે હાલમાં નિરઉપયોગી બની રહ્યું છે. બંધ હાલતમાં રહેતાં લોકોને દવાઓનો જથ્થો અહીંથી મળતો નથી

Next Story