ભરૂચ : મન મૂકીને સતત વરસતો મેહુલિયો, શહેરો અને ગ્રામ્ય વિસ્તારો થયા “જળબંબાકાર”

0

ભરૂચ જીલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદના કારણે નેત્રંગ નજીકથી પસાર થતી કરજણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. તો સાથે જ જંબુસર અને આમોદ તાલુકામાં પણ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે ભરૂચ જીલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિનું નિર્માળ થયું છે. જોકે ઉપરવાસમાં તેમજ નેત્રંગમાં ભારે વરસાદી માહોલ બાદ કરજણ નદીના જળસ્તરમાં સતત વધારો થતાં નદી ગાંડિતુર બની હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, ત્યારે કરજણ નદીમાં આવેલ ઘોડાપુરના કારણે આસપાસના ગ્રામજનો પણ ચિંતિત જોવા મળ્યા હતા.

ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકામાં પણ ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જંબુસર ખાતે વરસાદના કારણે 2 જર્જરિત મકાનો પણ ધરાશાયી થયા હતા. જોકે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. તો અવિરત વરસાદથી આમોદ અને દહેજને જોડતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ઉપરાંત આછોદ ગામ નજીક પણ માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં હતા. તો મગણાદ ગામે નાવડીઓ તરતી થઈ હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સમગ્ર જીલ્લાના વરસાદી આંકડા પર નજર કરીએ તો, આમોદમાં 67 મી.મી., અંકલેશ્વરમાં 36 મી.મી., ભરૂચમાં 44 મી.મી., હાંસોટમાં 18 મી.મી., જંબુસરમાં 55 મી.મી., નેત્રંગમાં 120 મી.મી., વાગરામાં 77 મી.મી., વાલિયામાં 56 મી.મી. અને ઝઘડિયામાં 27 મી.મી. જેટલો વરસાદ ખાબક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here