Connect Gujarat
ગુજરાત

ભરૂચ : લોકડાઉનના ચોથા તબકકામાં જનજીવન થયું ધબકતું, રસ્તાઓ પર ભીડ

ભરૂચ : લોકડાઉનના ચોથા તબકકામાં જનજીવન થયું ધબકતું, રસ્તાઓ પર ભીડ
X

દેશમાં લોકડાઉનને 31મી મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે પણ રાજય સરકારે આપેલી છુટછાટોના કારણે ભરૂચ શહેરમાં જનજીવનની ગાડી ધીમે ધીમે પાટા ઉપર આવી રહી છે.

લોકડાઉનના પ્રથમ બે તબકકામાં સુમસાન બની ગયેલું ભરૂચ શહેર ત્રીજા અને ચોથા તબકકામાં ધીમે ધીમે ધમધમતું થયું છે. રાજય સરકારે અમુક દુકાનોને ખુલ્લી રાખવાની મંજુરી આપી છે પણ બપોર થતાંની સાથે શહેરમાં સ્વયંભુ કરફયુનો માહોલ જોવા મળે છે. ભરૂચ શહેરમાં સવારની સ્થિતિ સાચા અર્થમાં ચિંતાજનક બની રહે છે. શાકભાજી તથા અન્ય વસ્તુઓની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઘરોની બહાર નીકળી રહયાં છે જે કોરોના વાયરસના સંક્રમણને ઇજન પાઠવી રહયાં હોય તેમ લાગી રહયું છે. ખાસ કરીને શાકભાજીની લારીઓ ઉપર લોકો એકબીજા વચ્ચે અંતર જાળવી રહયાં નથી તેવું ધ્યાને આવી રહયું છે. સોમવારના રોજથી દેશમાં લોકડાઉનના ચોથા ચરણનો પ્રારંભ થઇ ચુકયો છે. હવે રાજય સરકાર દ્વારા આપવામાં આવનારી છુટછાટની રાહ જોવામાં આવી રહી છે. સોમવારે સવારથી ભરૂચના માર્ગો પર ચહલપહલ વધી ગઇ હતી. કોરોના વાયરસ હજી નાબુદ થયો નથી પણ લોકો જાણે નિશ્ચિત બની ગયાં હોય તેમ લાગી રહયું છે. ખાસ કરીને શાકભાજી અને ફળફળાદિની લારીઓ પર લોકો ભીડ કરી સોશિયલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડાવી રહયાં છે. દેશના અર્થતંત્ર અને જન જીવનને ધબકતું કરવા માટે સરકારે લોકડાઉનમાં છુટછાટ આપી છે. આપણા સૌ ઉપર કોરોના વાયરસનો ખતરો સદાય મંડરાયેલો છે ત્યારે તેનાથી બચવા આપણે જ સતર્ક રહેવું પડશે….

Next Story