Connect Gujarat
Featured

ભરૂચ : ઝઘડીયામાં બીટીપીના કાર્યકરોને સામેલ કરવાનો ઉત્સાહ, કોવીડની ગાઇડલાઇનના ઉડયાં ધજાગરા

ભરૂચ : ઝઘડીયામાં બીટીપીના કાર્યકરોને સામેલ કરવાનો ઉત્સાહ, કોવીડની ગાઇડલાઇનના ઉડયાં ધજાગરા
X

રાજયમાં કોરોનાના કહેર વચ્ચે દરેક તહેવારની ઉજવણીમાં સરકાર ગાઇડલાઇન બહાર પાડી ઉજવણીના રંગમાં ભંગ પાડતી હોય છે પણ સત્તાધારી ભાજપના નેતાઓ અને કાર્યકરોને ખુલ્લોદોર આપવામાં આવ્યો હોય તેમ લાગી રહયું છે. મંગળવારે ઝઘડીયા ખાતે આયોજીત સમારંભમાં સાંસદ મનસુખ વસાવા તેમજ અન્ય આગેવાનો તથા કાર્યકરોએ સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાવી દીધાં હતાં. બીટીપીના 500 જેટલા કાર્યકરો ભાજપમાં સામેલ થઇ રહયાં હોવાથી તેમને આવકારવાના અતિ ઉત્સાહમાં લોકો ભાન ભુલી ગયાં હતાં.

તાજેતરમાં તમે સૌએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી પણ તમારા મનમાં કોવીડ ગાઇડ લાઇનનો ભંગ ન થઇ જાય તેની ચિંતા સતાવતી હતી. કયારે પોલીસ આવે અને કેસ કરે તેવી ચિંતા સાથે તમે પતંગો ઉડાવી હતી. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર દર તહેવારમાં ગાઇડલાઇન બહાર પાડી ઉજવણીના રંગમાં ભંગ પાડતી હોય છે પણ ભાજપના કાર્યક્રમોમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ થતો હોવા છતાં પોલીસ અને વહીવટીતંત્ર મુક પ્રેક્ષાક બની તમાશો જોતું હોય તેમ લાગે છે.

આવી જ ઘટના મંગળવારના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં બની હતી. ભારતીય ટ્રાયબલ પાર્ટીનો ગઢ ગણાતાં ઝઘડીયા વિસ્તારમાં ભાજપે ગાબડું પાડતાં આગેવાનો અને નેતાઓ ઉત્સાહમાં આવી ગયાં હતાં. રાજપારડીથી ઝઘડીયા સુધી રેલી કાઢવામાં આવી પણ તેમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાવી દીધાં હતાં. હવે અમે તમને બતાવીશું કેટલા મહાનુભવો જે વારંવાર મીડીયા સામે આવી કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવા તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવા વણમાગી સલાહ આપી રહયાં છે.

પ્રથમ મહાનુભવ છે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા, કોરોનાથી બચવા તેમણે માસ્ક તો પહેર્યું છે પણ તેઓ કાર્યકરોના ટોળાની વચ્ચે ઉભા હોવાથી દો ગજની દુરી જળવાતી નથી.. અન્ય મહાનુભવ છે મારુતિસિંહ અટોદરિયા કે જેમને ભરૂચ જિલ્લા ભાજપની સુકાન સોંપવામાં આવી છે પણ સુકાની જ તેમની ટીમને કાબુમાં રાખવામાં નિષ્ફળ રહયાં હોય તેમ લાગી રહયું છે. બીટીપીમાં ગાબડું પાડી પોતે ગઢ જીત્યો હોય તેવી ખુશીમાં તેઓ ગાઇડલાઇન જ ભુલી ગયાં છે. અને ત્રીજા મહાનુભવ તો સમગ્ર રાજયમાં નામના ધરાવે છે. તેમની ઓળખાણ આપીએ તો તેઓ છે ભરતસિંહ પરમાર, તેઓ રાજયસભાના પુર્વ સાંસદ રહી ચુકયાં છે.

ભારત માતા કી જય સાથે પોતાના ભાષણની શરૂઆત કરાવવા માટે જાણીતા ભરતસિંહ પરમાર જાતે જ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યાં હતાં. મોટા નેતાઓ જ નિયમોના ધજાગરા ઉડાવતાં હોય ત્યારે અન્ય હોદેદારો અને કાર્યકરોની શી વિસાત.. સામાન્ય માણસને કાર્યક્રમ યોજવા હજારો સવાલ પુછતાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ આ કાર્યક્રમમાં કેમ આંખ આડા કાન કરી રહયાં છે તેવો સવાલ લોકો પુછી રહયાં છે. કનેકટ ગુજરાત પરિવાર પણ એક મીડીયા હાઉસ તરીકે નેતાઓ અને કાર્યકરોને માસ્ક પહેરવા તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરે છે.

Next Story