ભરૂચ : ઝઘડીયા તાલુકામાં રેતી માફિયાઓ સામે તવાઇ, પાંચ વાહનો કરાયાં જપ્ત

0

ઝઘડિયા તાલુકામાં ગેરકાયદે માટી અને રેતીનું ખનન થતું હોવા છતાં તંત્ર ઘુતરાષ્ટ્રની ભુમિકામાં હોવાની લોકોની ફરિયાદ હતી. મોડે મોડે જાગેલાં વહીવટીતંત્રએ વંઠેવાડ અને રાણીપુરા ગામમાં દરોડા પાડી ગેરકાયદે માટીખનનની પ્રવૃતિ ઝડપી પાડી પાંચ જેટલા વાહનો કબજે લીધાં છે.

ઝઘડીયા તાલુકામાં નર્મદા કિનારેથી રેતી તથા ડુંગરાળ વિસ્તારોમાંથી ખનીજો અને ગૌચર જમીનમાંથી માટી ખોદકામની પ્રવૃતિ ફુલીફાલી છે. સ્થાનિક લોકોની વારંવાર ફરિયાદ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહયું હતું જેના કારણે રેતી અને ખનીજ માફીયાઓને છુટો દોર મળી ગયો છે. બેફામ બનેલા માફિયાઓ રેતી, માટી તેમજ અન્ય ખનીજોનું ગેરકાયદે ખનન કરી નાણા પોતાના ગજવે ઘાલતાં હોવાથી સરકારી તિજોરીને નુકશાન થઇ રહયું છે. ઝઘડીયા તાલુકાના વંઠેવાડ અને રાણીપુરા ગામમાં ગેરકાયદે માટીખનનની વ્યાપક ફરિયાદ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. ભુસ્તર અને મામલતદાર કચેરીની ટીમોએ બંને ગામમાં દરોડો પાડી બે જેસીબી અને ત્રણ ટ્રકો મળી કુલ પાંચ જેટલા વાહનો કબજે કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝઘડીયા તાલુકામાં આવેલી લીઝોમાંથી રોજની સેંકડો ટ્રકો ઓવરલોડ રીતે રેતીનું વહન કરી રહી છે. તંત્ર આવી પ્રવૃતિ અટકાવવા સતત પ્રયત્નશીલ રહે તેવી લોકો માંગ કરી રહયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here