ભરૂચ : ઝઘડીયાની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટ, કાટમાળ નીચેથી બે કર્મીઓના મૃતદેહ મળ્યાં

ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપનીમાં સોમવારે મધરાત્રિના સમયે બ્લાસ્ટ થતાં 20 કીમીના વિસ્તારમાં રહેતાં લોકોએ જાણે ભુકંપનો આંચકો આવ્યો હોય તેવો અનુભવ કર્યો હતો. બ્લાસ્ટ બાદ કંપનીના પ્લાન્ટમાં ભીષણ ફાટી નીકળતાં 25 જેટલાં કામદારો દાઝી ગયાં હતાં. કંપનીમાં આગ કાબુમાં આવ્યાં બાદ તપાસ કરવામાં આવતાં બે કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યાં હતાં.
ઝઘડીયા જીઆઇડીસીમાં યુપીએલ કંપની આવેલી છે. કંપનીમાં સોમવારે રાત્રિના સમયે રાબેતા મુજબ ઉત્પાદનની કાર્યવાહી ચાલી રહી તે વેળા રાત્રિના 2.30 વાગ્યાના અરસામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે જીઆઇડીસીને અડી આવેલાં દધેડા, ફુલવાડી, કપલસાડી સહિતના ગામોમાં આવેલાં મકાનોમાં કાચ તુ્ટયાં હતાં.
આ ઉપરાંત બ્લાસ્ટની ધ્રુજારી છેક અંકલેશ્વવર સુધી અનુભવાય હતી. લોકોએ ભુકંપ આવ્યો હોય તેવો અનુભવ કર્યો હતો. બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતાં ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવાયાં હતાં. બનાવની જાણ થતાં લાશ્કરોની ટીમ કંપની ખાતે પહોંચી ગઇ હતી અને બચાવ તથા રાહત કામગીરી હાથ ધરી હતી. યુપીએલ કંપનીમાં થયેલાં ભયાનક બ્લાસ્ટમાં 25થી વધારે કામદારો દાઝી ગયા હોવાની આશંકા સેવાય રહી છે. કંપનીમાં કયાં કારણોસર બ્લાસ્ટ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો ઝઘડીયા જીઆઇડીસીની આસપાસ આવેલાં ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહયાં છે.
આગ કાબુમાં આવ્યાં બાદ તપાસ દરમિયાન કાટમાળ હેઠળથી બે કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યાં છે. તેમની ઓળખ શુકલતીર્થના વનરાજસિંહ ડોડીયા અને અવિધાના નેહલ મહેતા તરીકે થઇ છે. બીજી તરફ કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું કે, યુપીએલના ઝગડીયા ખાતે આવેલાં પ્લાન્ટમાં શટડાઉન દરમિયાન આગની ઘટના બની હતી. તો બીજી તરફ દેડીયાપાડાના બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, અમને પ્રથમ ધરતીકંપ આવ્યો હોય તેમ લાગ્યું હતું. કંપનીમાં જે બ્લાસ્ટ થયો છે તેમાં અનેક લોકો લાપત્તા બન્યાં છે. જે પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો તેમાં 31 કર્મચારીઓ કામ કરી રહયાં હતાં.