Connect Gujarat
Featured

ભરૂચ : વતનમાં જતાં લોકોને રોકવામાં આવતાં કરજણ ટોલ પ્લાઝા પાસે કર્યો હંગામો

ભરૂચ : વતનમાં જતાં લોકોને રોકવામાં આવતાં કરજણ ટોલ પ્લાઝા પાસે કર્યો હંગામો
X

ભરૂચના નેશનલ હાઇવે પર આવેલાં કરજણ ટોલ પ્લાઝા પાસે વતનમાં જઇ રહેલાં લોકોએ હંગામો મચાવતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ હાઇવે પર બેસી જઇ ચકકાજામ કરી દેતાં મામલો બિચકયો હતો.

દેશમાં ચાલી રહેલાં લોકડાઉનને વધુ બે સપ્તાહ માટે લંબાવી દેવામાં આવ્યું છે પણ વિવિધ રાજયોમાં ફસાયેલાં શ્રમિકો, વિદ્યાર્થીઓ અને પર્યટકોને વતનમાં જવાની છુટ આપવામાં આવી છે. કરજણ ટોલ પ્લાઝા ખાતે હિજરત કરી રહેલાં લોકોના વાહનો રોકવામાં આવતાં લોકોએ હંગામો મચાવ્યો હતો. હંગામાના પગલે ગુજરાતમાં પણ યુપી - બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

દેશમાં છેલ્લા એક મહિના ઉપરાંતથી લોકડાઉન ચાલી રહયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજયોમાં રોજગારી માટે ગયેલાં શ્રમિકોની હાલત કફોડી બની છે. ખાસ કરીને ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકોની સંખ્યા વધારે છે. રોજગારી અને ભોજનના ફાફા પડી રહયાં હોવાથી તેમના હાલ બેહાલ બની ગયાં છે. તેઓ વતનમાં જવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહયાં હતાં. આખરે કેન્દ્ર સરકારે તેમને વતનમાં જવાની મંજુરી આપી છે. ભરૂચ અને સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.

સુરતથી મોટી સંખ્યામાં યુપી અને બિહારના શ્રમજીવીઓ લકઝરી બસોમાં તેમના વતન તરફ જવા રવાના થયાં હતાં. હાલમાં સરકારે માલવાહક વાહનોને પણ મંજુરી આપી હોવાથી હાઇવે પર વાહનોની અવરજવર વધી છે. કરજણ ટોલપ્લાઝા પાસે પરવાનગી બાબતે વિવાદ થતાં શ્રમિકો તેમના વાહનોની બહાર આવી ગયાં હતાં અને હાઇવે પર ચકકાજામ કરી દીધો હતો. હંગામાના પગલે ટોલપ્લાઝા પર અરાજકતા ફેલાય હતી.

હજારોની સંખ્યામાં શ્રમિકોને સોશિયલ ડીસટન્સ જાળવી વતનમાં મોકલવા એ સરકાર, પોલીસ અને વહીવટીતંત્ર માટે પડકાર છે. સુરત તરફથી આવતાં વાહનોનું ધામરોડ ખાતે ઉભી કરાયેલી ચેકપોસ્ટ ખાતે ચેકિંગ કરવામાં આવી રહયું છે. દરેક લોકોની અને તેમનાા પરવાનગી પત્રની ચકાસણી બાદ જ તેમને આગળ વધવાની પરવાનગી આપવામાં આવી રહી છે. ધામરોડ ચેકપોસ્ટ ખાતે પણ હોબાળો થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

Next Story