Connect Gujarat
Featured

ભરૂચ: કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન યાકુબ ગુરજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ, વાંચો શું છે આખો મામલો

ભરૂચ: કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન યાકુબ ગુરજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ, વાંચો શું છે આખો મામલો
X

વાગરા તાલુકાના કેશવાણ ગામની જમીન ના બોગસ કુલમુખત્યારનામાં ના આધારે ખોટી રીતે દસ્તાવેજ કરી આપવાના પ્રકરણમાં ખેડૂત હિત રક્ષક દળના કો-ઓર્ડીનેટર અને જિલ્લા કોંગ્રેસ કિસાન સમિતિના ચેરમેન યાકુબ ગુરજી વિરુદ્ધ ખોટું પાવર ઓફ એટર્ની બનાવવા તેમજ વિશ્વાસઘાત અંગેની વાગરા પોલીસ મથકે ફરિયાદ નોધાતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના કેશવાણ ગામેનીસર્વે નંબર ૯૨૩ વાળી જમીનના માલિક માનસંગ બકોરભાઈ, ઇશ્વરભાઇ બકોરભાઈ તેમજ વિશ્વાસભાઈ બકોરભાઈએ મસ્તાન ઇબ્રાહિમ પટેલ પાસેથી અવેજ લઈ તારીખ ૨૦/૧૦/૨૦૦૮ ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.આ અંગેની જાણ યાકુબ ઇબ્રાહિમ ગુરજી તથા દાઉદ સુલેમાન મુસાને હોવા છ્તા બન્નેએ બોગસ સહીના આધારે બનાવટી કુલમુખત્યારનામું ઉભુ કરી વાગરા સબ રજીસ્ટ્રાર ઓફિસમાં ખોટા દસ્તાવેજો અને બોગસ કુલમુખત્યારનામાંનો ખરા તરીકે ઉપયોગ કરી તારીખ ૧૧/૯/૨૦૦૮ ના રોજ યાકુબ ગુરજીએ તેમના બનેવી દાઉદ સુલેમાન મૂસાને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.

ત્યારબાદ દાઉદ સુલેમાન મુસાએ ભરતભાઈ શાહ ને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો અને તેમણે પણ આ જમીન બીજાને આપી દીધી હતી. આ સમગ્ર પ્રકરણમાં યાકુબ ગુરજી તેમજ દાઉદ સુલેમાન મુસાએ ફરિયાદી મસ્તાન ઈબ્રાહીમ પટેલની જમીન પચાવી પાડવા સંદર્ભે કલેકટર કચેરીમાં ફરિયાદ દાખલ કરતાં એસ.આઇ.ટી.દ્વારા પોલીસને ફરિયાદ નોધવા હુકમ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે બન્ને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં ચકચાર મચી જવા પામી છે

અત્રે મહત્વપૂર્ણ છે કે યાકુબ ગુરજીએ ખેડૂત હિત રક્ષક દળના નેજા હેઠળ થોડા દિવસ અગાઉ જ પ્રેસ કોન્ફરન્સ કરી વાગરા તાલુકામાં જમીન કૌભાંડ બાબતે આક્ષેપ કર્યા હતા ત્યારે હવે તેઓની જ જમીન કૌભાંડમાં સંડોવણી અંગેની પોલીસ ફરિયાદ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે

Next Story