Connect Gujarat
Featured

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
X

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી તથા જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે બે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવરી લેવામાં આવ્યાં હતાં.

કોરોનાની મહામારીની સૌથી વધારે અસર શૈક્ષણિક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. 9 મહિના બાદ સરકારે માર્ગદર્શિકા જાહેર કરતાં શૈક્ષણિક જગતમાં આશાનું નવું કિરણ જોવા મળી રહયું છે. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કોલેજના એનએસએસ યુનિટ, પ્રોલાઇફ ફાઉન્ડેશન અને શ્રી સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્રના અનુદાનથી આયોજીત કેમ્પમાં ફિઝિકલ એક્ઝામિનેશન, આઈ ટેસ્ટિંગ, સ્કીન ટેસ્ટિંગ, ઓડિયોમેટ્રી, ECG, બ્લડ રિપોર્ટ સહિતના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. સંસ્થાના વિવિધ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફે કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભરૂચના એસડીએમ એન.આર.પ્રજાપતિ, વેદાંત હોસ્પિટલના એમડી અને આરએસએસના જિલ્લા પ્રભારી ડૉ. કૌશલ પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રિન્સિપાલ ડૉ. કિશોર ઢોલવાણી, કેમ્પના કો- ઓર્ડિનેટર વૈશાલી પટેલ સહિતના સ્ટાફે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સંસ્થાના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી, ટ્રસ્ટી કરણ જોલી તેમજ યોગેશ પારીકના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન પાર પાડવામાં આવ્યું હતું. આ અવસરે મહેમાનોના હસ્તે કોલેજના નવા લોગોનું પણ લોન્ચિંગ કરાયું હતું.

બીજી તરફ કોરોનાના કાળમાં બાળકોની બદલાયેલી જીવન શૈલીથી અવગત કરાવવા તથા તેમને શિક્ષણ પ્રત્યે ફરીથી પ્રવૃત કરવા નવતર અને અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓને નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન મળી રહે તે માટે સેમીનાર પણ યોજવામાં આવ્યો હતો. જેમાં ડાયેટીશીયન ડૉ. ઝેનબ મુબારક, પીડીયાટ્રીશીયન ડૉ. પ્રજ્ઞેશ કટારીયા, ફીઝીશીયન ડૉ. વાસીમ રાજ, અને શિક્ષણવિદ પરેશ ભટ્ટ સહિતના તજજ્ઞો માર્ગદર્શન પુરુ પાડયું હતું. સંસ્થા તરફથી કરવામાં આવેલાં આ પ્રયાસને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ એ બિરદાવ્યો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં એઇડસથી પીડાતા દર્દીઓ માટે કામ કરી રહેલી સંસ્થા ભરૂચ ડીસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચઆઇવી એઇડસના હોદેદારો અને સભ્યોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પ્રો લાઈફ ફાઉન્ડેશન અને કોલેજ દ્વારા એઇડ્સથી પીડાતા બાળકો સાથે પ્રતિવર્ષ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવે છે જો કે આ વર્ષે કોરોના મહામારીના કારણે બાળકોને તેમના ઘરે પતંગ દોરી તેમજ ચીકી મોકલવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવો દ્વારા કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપાણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસ્થાની કામગીરીની મહેમાનો તેમજ શાળા અને કોલેજ પરિવાર સરાહના કરવામાં આવી હતી.

Next Story