ભરૂચ : AIMIM સાથેનું ગઠબંધન છોટુભાઇ માટે રાજકીય આપઘાત સમાન, ભાજપને બંપર ફાયદો

0

ભરૂચમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાના પરિણામો કોંગ્રેસની સાથે બીટીપી માટે પણ આંચકાજનક રહયાં છે. ભાજપે કોંગ્રેસ અને બીટીપી બંનેના ગઢમાં ગાબડું પાડી કલીન સ્વીપ કરી છે.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસ અને બીટીપીના ગઢના કાંગરા ખડી પડયાં છે. ભાજપે સૌ પ્રથમ વખત આમોદ નગરપાલિકા કબજે કરી છે જયારે ભરૂચ જિલ્લા પંચાયતમાં પણ બહુમતી તરફ આગળ વધી છે. અત્યાર સુધી ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસે છોટુભાઇનો ટેકો લેવાની ફરજ પડતી હતી. નગરપાલિકાઓની વાત કરવામાં આવે તો આ વખતે ભરૂચ નગરપાલિકામાં અપક્ષોએ જીતનો દાવો કર્યો હતો પણ ઇવીએમ ખુલતાંની સાથે તેમના દાવાઓનો ફુગ્ગો ફુટી ગયો છે. અંકલેશ્વર નગરપાલિકામાં પણ કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટી છે. અહીં કોંગ્રેસમાંથી ટીકીટ નહિ મળતાં અપક્ષમાંથી ઉભેલાં ઉમેદવારનો વિજય થયો છે.

ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપનો ભગવો યથાવત રહયો છે. સૌથી મોટો ઉલટફેર આમોદ નગરપાલિકામાં જોવા મળ્યો છે. આમોદ પાલિકામાં પ્રથમ વખત ભાજપ સત્તાનું સુકાન સંભાળશે તેવી જ રીતે ઝઘડીયા તાલુકા પંચાયતમાં વર્ષો બાદ ભાજપને બહુમતી મળી છે. જંબુસરમાં પણ ભાજપે અપક્ષોની બોલબાલા ખતમ કરી નાંખી છે. આખા જિલ્લામાં ભાજપ ખુબ મજબુત બની હોય તેમ પરિણામો જણાવી રહયાં છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ પહેલાં બીટીપીએ એઆઇએમઆઇએમ સાથે કરેલું ગઠબંધન છોટુભાઇ વસાવા માટે રાજકીય આપઘાત સમાન બન્યું છે.

ભરૂચ જિલ્લા તથા તાલુકા પંચાયતમાં લઘુમતી વિસ્તારોમાં એઆઇએમએમએ કોંગ્રેસનો વિજય રથ અટકાવી દીધો છે. એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન બાદ બીટીપીના આગેવાનો ભાજપમાં જોડાય ગયાં હતાં. ભરૂચ જિલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ અનિલ ભગત અને છોટુ વસાવાના પુત્ર દીલીપને પણ હારનો સામનો કરવો પડયો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં લોકોએ ખોબલે ખોબલે ભાજપને મત આપ્યાં છે. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનો રકાસ થયો છે તેના માટે સ્થાનિક નેતાગીરી જવાબદાર ગણાય છે. નવ તાલુકા પંચાયતોમાં પણ ભાજપ કલીન સ્વીપ તરફ આગળ વધી રહી છે. આગામી વર્ષે વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે ત્યારે છોટુભાઇ વસાવા માટે હવે ગઢ બચાવવો મુશ્કેલ જણાય રહયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here