Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં “માઁ રેવા નિર્મલ પ્રવાહ સમિતિ” દ્વારા પુનઃ એકવાર યોજાશે મહા આરતી

ભરૂચમાં “માઁ રેવા નિર્મલ પ્રવાહ સમિતિ” દ્વારા પુનઃ એકવાર યોજાશે મહા આરતી
X

નર્મદા નદીના કિનારે વસેલું ભરૂચ શહેર કે જ્યાં વર્ષોથી માં નર્મદા અહીના સ્થાનિક લોકો માટે જીવાદોરી સમાન છે, ત્યારે હાલ અહીના લોકોને પાણી માટેની વિકટ પરિસ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ ખેડૂતો, માછીમારો તેમજ ઉદ્યોગકારો દ્વારા રાજ્ય સરકારમાં અવાર નવાર રજૂઆતો પણ કરવામાં આવી છે.

નર્મદા નદી હંમેશા બંને કાંઠે વહેવી જોઈએ તેવી ભરૂચવાસીઓની માંગ છે, ત્યારે સરકાર દ્વારા મહિનામાં માત્ર બે જ વાર ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ કેટલું યોગ્ય કહેવાય..? આ તો માંગ્યું આખું સરોવર અને મળ્યું ખોબા જેટલું. ચાલો કઈ નહીં પણ ભરૂચને એક ટીપું પાણી નહિ મળે તેવું કહેનાર સરકારે અહીના લોકોનો મિજાજ જોઈ કઈક તો આપવાનું નક્કી કર્યું. સરકારે એવું પણ વિચાર્યું હશે કે સામે ચોમાસુ છે.

એકાદ બે વખત નર્મદા નદીમાં ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવું પડશે એટલું જ ને. પછી વરસાદ આવતા પાણી નહિ છોડવું પડે. ચોમાસા પછી જે થાય તે ત્યારે જોઈ લેવાશે. હાલ આટલું આપવાની જાહેરાત કરતા લોકોનો રોષ તો ઓછો થશે એવી સરકારની ગણતરી હશે. પરંતુ ભરૂચવાસીઓની નર્મદા નદીના નીર માટે લડાઈ અહીંયા પુરી થતી નથી. જ્યાં સુધી ભરૂચ અને અંકલેશ્વરના બંન્ને કાંઠે નર્મદા નદીમાં નીર નહીં વહે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની “માં રેવા નિર્મલ પ્રવાહ સમિતિ” દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જેના ભાગરૂપે તા. ૦૩.૦૬.૨૦૧૯ સોમવાર (સોમવતી અમાસ)ના રોજ સાંજે ૦૬:૪૫ કલાકે ભરૂચના દાંડિયા બજાર સ્થિત કબીરપુરા-ખત્રીવાડ ખાતે આવેલ ગંગનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં “માં રેવા નિર્મલ પ્રવાહ સમિતિ” દ્વારા નર્મદા માતાની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહા આરતી પ્રસંગ દરમિયાન ભરૂચની તમામ નર્મદા પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માં નર્મદાજીની આરતીનો વિશેષ લ્હાવો લઈ ધન્યતા અનુભવે તે માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Next Story