Top
Connect Gujarat

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાને ફરી પોતાની જ પાર્ટીના નેતાઓ સાથે વાંકુ પડયું, જાહેર મંચ પરથી આપી ધમકી

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાને ફરી પોતાની જ પાર્ટીના નેતાઓ સાથે વાંકુ પડયું, જાહેર મંચ પરથી આપી ધમકી
X

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવા આક્રમક દેખાઇ રહયાં છે. વિફરેલાં સાંસદે હવે પોતાની પાર્ટીના જ નેતાઓને જાહેર મંચ પરથી ધમકી આપી છે.

ભરૂચ અને નર્મદા જિલ્લામાં થનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આદિવાસી બાહુલ્ય ધરાવતાં વિસ્તારોમાં ભાજપ અને બીટીપી વચ્ચે કાંટે કી ટકકર સમાન બની છે. બીટીપીના ગઢને નેસ્તા નાબુદ કરવા માટે ભાજપના સાંસદ મનસુખ વસાવા ધમપછાડા કરી રહયાં છે અને જાહેરસભામાં બેફામ નિવેદનો કરી રહયાં છે. થોડા દિવસો પહેલાં કમરમાં દુખાવાનું કારણ આગળ ધરી મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું પણ ગણતરીના કલાકોમાં પરત ખેંચી ફરી ભાજપના પ્રચારમાં જોડાયાં છે. થોડા દિવસો પહેલાં તેમણે એક જાહેરસભામાં પોલીસ તથા હરીફ પાર્ટીઓના નેતાઓને ધમકી આપી હતી. હવે સાંસદ મનસુખ વસાવાનો વધુ એક વિડીયો વાયરલ થઇ રહયો છે જેમાં તેઓ ભાજપમાં જ રહેલાં પણ અન્ય પાર્ટીઓ સાથે મળેલાં નેતાઓને નિશાન બનાવ્યાં છે. વાલીયા વિસ્તારમાં યોજાયેલી એક જાહેરસભામાં તેમણે દુધમાં અને દહીમાં પગ રાખતા ભાજપના નેતાઓને ચેતવણી આપતાં કહયું હતું કે સેન્ટ્રલ આઇબી તેમના હાથમાં છે અને કયો નેતાં શું કરે છે તેની તેમને બધી ખબર છે..

હવે સમગ્ર ઘટનાક્રમને ઉંડાણપુર્વક સમજીએ.. રવિવારના રોજ ભરૂચ જિલ્લામાં નગરપાલિકાઓની સાથે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની પણ ચૂંટણી યોજાવાની છે. આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં વાલીયા, નેત્રંગ અને ઝઘડીયા તાલુકા પંચાયત પર વર્ષોથી ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટીનો વિજય થતો આવ્યો છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લા પંચાયતમાં કોણ સત્તા સંભાળશે તે પણ બીટીપી નકકી કરતું હોય છે.

આ વખતે બીટીપીએ એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન કરતાં આદિવાસી સમાજની સાથે લઘુમતી સમાજના મતો પણ બીટીપીને મળે તેવી શકયતાં છે. આ કારણોસર ભરૂચ જિલ્લામાં લઘુમતી સમાજમાંથી 30થી વધુ લોકોને ભાજપને ટીકીટ આપવાની ફરજ પડી છે. બીટીપીના કમિટેડ આદિવાસી સમાજના મતો તોડવા ચોકકસ રણનિતીના ભાગરૂપે ભરૂચના સાંસદ મનસુખ વસાવા બેફામ નિવેદનો કરી રહયાં હોવાની ચર્ચા રાજકીય ક્ષેત્રમાં ચાલી રહી છે. વાત ગમે તે હોય પણ રાજકારણમાં શાલિનતા અને સભ્ય વાણી જ રાજનેતાઓનું આભુષણ હોય છે….

Next Story
Share it