ભરૂચ: તુલસીધામ શાક માર્કેટમાંથી વેપારીના નાણા લઇને ભાગતો સગીર ઝડપાયો

ભરૂચના તુલસીધામ શાકભાજી બજારમાં પથારાવાળાના રૂપિયા ચોરી કરી ભાગતા સગીરને ઝડપી લોકોએ ઢીબી નાખ્યો હતો. ઝડપાયેલા તસ્કરને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.
ભરૂચ શહેર માં છેલ્લા ઘણા સમયથી તસ્કર ટોળકીએ પોલીસની ઉંઘ હરામ કરી છે. હરિહર કોમ્પલેકસમાં મોબાઈલની બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા બાદ છેલ્લા ઘણા સમયથી નજીકના જ તુલસીધામ શાકભાજી બજારમાં પણ ચોર ટોળકી સક્રિય થઇ હતી. બજારમાં આવતા ગ્રાહકો તથા વેપારીઓના મોબાઈલ તથા રોકડ રકમ તથા પાકીટની ઉઠાંતરીના બનાવો વધી ગયાં હતાં. શાક માર્કેટમાં એક સગીર રૂપિયા 500ના છુટા લેવા આવ્યો હોવાનું નાટક કરી વેપારીની નજર ચુકવી રૂપિયા લઇને નાસી છુટયો હતો. વેપારીએ બુમરાણ મચાવતાં અન્ય લોકોએ ભાગી રહેલા સગીરને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા યુવાને સગીરે તેના અન્ય ચાર સાગરિતો પણ હોવાની કબુલાત કરી હતી. ટોળાએ ઝડપાયેલા તસ્કરને સારો એવો મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો.