Connect Gujarat
Featured

ભરૂચ : પાલિકામાં સત્તા મેળવવા ભાજપને ચાવવા પડશે લોઢાના ચણા, જુઓ શું છે કારણ

ભરૂચ : પાલિકામાં સત્તા મેળવવા ભાજપને ચાવવા પડશે લોઢાના ચણા, જુઓ શું છે કારણ
X

ભરૂચ નગરપાલિકાની ચુંટણીમાં ચાલુ વર્ષે ચતુષ્કોણીય જંગ ખેલાશે જેમાં સત્તાધારી ભાજપનો મુકાબલો કોંગ્રેસ ઉપરાંત જનતા અપક્ષ અને બીટીપી અને એઆઇએમઆઇએમના ગઠબંધન સાથે થશે. વોર્ડ નંબર 8માંથી ટીકીટ નહિ મળતાં મનહર પરમાર અને હેમુ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જનતા અપક્ષના નેજા હેઠળ 27થી વધારે ઉમેદવારોએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે.

ભરૂચ નગરપાલિકામાં ભાજપને સત્તા મેળવવા અભિમન્યુના ચાર ત્રણ કોઠા વિંધવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ વર્ષે યોજાઇ રહેલી પાલિકાની ચુંટણીમાં ભાજપના પરંપરાગત હરીફ કોંગ્રેસની સાથે જનતા અપક્ષ અને બીટીપી તથા એઆઇએમઆઇએમના ગઠબંધનનો સામનો કરવો પડશે. ભરૂચ નગરપાલિકા ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઇ હોવાના આક્ષેપ સાથે શહેરના જાગૃત નાગરિકોએ જનતા અપક્ષના નામે નવો ચોકો રચ્યો છે. શનિવારના રોજ ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ હોવાથી કલેકટર કચેરીની બહાર ઉમેદવારો અને તેમના સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો. જનતા અપક્ષના ઉમેદવારોએ વાજતે ગાજતે શકિતનગર ખાતેથી રેલી યોજી હતી.

ભરૂચના સર્વાંગી વિકાસના નારા સાથે જનતા અપક્ષે પાલિકાના ચુંટણીજંગમાં ઝંપલાવ્યું છે. બીજી તરફ ગત ચુંટણીમાં વોર્ડ નંબર 8માંથી અપક્ષ તરીકે ચુંટાયેલા અને પાછળથી ભાજપમાં ભળી ગયેલાં મનહર પરમારે ભાજપ સામે બળવાનું બ્યુગલ ફુંકયું છે તેમની સાથે વોર્ડ નંબર 8ના પુર્વ નગરસેવિકા અને ભાજપે જેમની ટીકીટ કાપી નાંખી છે તેવા હેમુબેન પટેલ પણ જોડાયાં છે. બંનેએ શનિવારના રોજ તેમની પેનલ સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. આ ઉપરાંત જનતા અપક્ષના ઉમેદવારોએ પણ તેમની ઉમેદવારી નોંધાવી છે. આમ આ વખતે ભરૂચ નગરપાલિકાની ચુંટણીનો જંગ રસપ્રદ બની રહેશે. ભાજપે નવા નિયમો અનુસાર મોટા ભાગના સીટીંગ કોર્પોરેટરોની ટીકીટ કાપી નવા ચહેરાઓને તક આપી છે. ખાસ કરીને વોર્ડ નંબર 8માંથી ભાજપના શહેર પ્રમુખ ધનજી ગોહિલ ચુંટણી લડી રહયાં છે ત્યારે તેમનો સીધો મુકાબલો મનહર પરમાર સામે થશે. બંનેની ઉમેદવારીથી દલિત વોટ બેંક વિભાજીત થવાની સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.

Next Story