Connect Gujarat
Featured

ભરૂચ : પાલિકાએ ફલો મીટરની કામગીરી કાઢતાં શહેરમાં અઢી દિવસનો પાણી કાપ

ભરૂચ : પાલિકાએ ફલો મીટરની કામગીરી કાઢતાં શહેરમાં અઢી દિવસનો પાણી કાપ
X

નર્મદા નદીના નીર ભલે સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચી ગયાં હોય પણ નર્મદા નદીના કિનારે આવેલાં ભરૂચમાં જ પાણીની રામાયણ જોવા મળી રહી છે. શનિવારથી અઢી દિવસ સુધી પાલિકા પાણી આપવાની નહિ હોવાથી ભરૂચના એક લાખથી વધુ લોકો કફોડી હાલતમાં મુકાઇ ગયાં છે.

આપ ભરૂચ શહેરમાં રહેતા હોવ તો પાણીનો કરકસરથી ઉપયોગ કરજો કારણ કે આજથી અઢી દિવસ સુધી આપના નળમાં પાણીનું ટીપુંય નહિ આવે. નગરપાલિકાએ ફલો મીટરની કામગીરી શરૂ કરતાં પાણી કાપ આપવામાં આવ્યો છે. શનિવાર અને રવિવારે બંને સમય જયારે સોમવારે સવારના સમયે નગરપાલિકા તરફથી પાણી પુરવઠો આપવામાં આવશે નહિ. અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુખ્ય લાઈનનાં પાંચબત્તી સંપ સાથે જોડાણ અને માતરીયા ઈન્ટેકવેલ પાઈપ લાઈનમાં ફલો મીટર ઇન્સ્ટોલની કામગીરી ચાલુ કરવામાં આવી છે.પાણી કાપના પગલે ભરૂચ શહેરના ૧ લાખ લોકોને અસર થશે અને ખાસ કરીને ગૃહિણીઓની હાલત કફોડી બની ગઇ છે.

પાણી વિના ગૃહિણીઓની હાલત ભલે કફોડી બની હોય પણ નગરપાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલાએ રાજયમાં ભરૂચ નગરપાલિકા શહેરીજનોને સૌથી વધુ પાણી આપતી હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અનિવાર્ય સંજોગોના કારણે પાણી કાપ આપવાની ફરજ પડી છે.

નર્મદા કિનારે વસેલાં ભરૂચ શહેરમાં વર્ષોથી પાણીની સમસ્યા જોવા મળે છે. પાલિકા સત્તાધીશો પાસે પાણી સંગ્રહના આયોજનના અભાવે શહેરીજનો પાણીની સમસ્યાનો સામનો કરી રહયાં હોવાનો આક્ષેપ વિપક્ષના નેતાએ કર્યો છે.

Next Story